રાજેશ વસાવે :- દાહોદ
*સાફલ્યગાથા- દાહોદ જિલ્લો*
*અને… અટકી ગયેલા મારા જીવનને ફરીથી વેગ મળ્યો : લાભાર્થી રમેશભાઈ દલસીંગભાઈ સંગાડીયા*
દાહોદ તા. ૧૦
“…જો આ સર્જરી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી હોત તો મારા શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાના ધોમધખતા તાપ અને ચોમાસામાં ચાલુ વરસાદે ખેતી કરીને એકઠી કરેલી સમગ્ર જીવનની બચત ખર્ચાઈ જાત….” બોલતાં બોલતાં જ રમેશભાઈ સંગાડીયા ભાવુક થઈ ગયા. તેમની નજર સામેથી તેમના જીવનનો દાયકાઓનો સંઘર્ષ અને આ દરમિયાન આવેલી હોસ્પિટલની ઉપાધિ પસાર થઈ ગઈ. પણ ફરી તેમના ચહેરા પર ચમક આવી અને તેમણે વાત આગળ ધપાવી. “…પણ ભલું થજો સરકારનું કે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લાખોનું ઓપરેશન સાવ મફતમાં થઈ ગયું.” એમ જણાવતા રમેશભાઈ આનંદિત થઈ ઊઠ્યા.
રમેશભાઈ દાહોદ તાલુકાના ગમલા ગામે કોટવાલ ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે. વ્યવસાયે ખેડૂત એવા રમેશભાઈ જીવનના છ દાયકા પૂરા કરી ૬૩ વર્ષની ઉંમરે પહોંચ્યા અને તેમને છાતીમાં દુખાવો શરૂ થયો. તેમણે તબીબની સલાહ લીધી અને તબીબે નિદાન કરી જણાવ્યું કે ઓપરેશન કરાવવું પડશે. તપાસ કરતાં ખબર પડી કે આ ખર્ચાળ ઓપરેશનમાં તો તેમના સમગ્ર જીવનની બચત વપરાઈ જાય તેમ છે. એવામાં એમને ગામના જ આરોગ્યકેન્દ્રમાંથી આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી મળી. તેમની જરૂરિયાતને સમજી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે તેમને વહેલી તકે કાર્ડ મળે એ માટે ત્વરિત કામગીરી કરી. રમેશભાઈનું કાર્ડ બન્યું અને તેમનું છાતીમાં દુખાવાનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક થઈ ગયું અને ફરીથી તેમનું જીવન વેગવંતુ બન્યું છે.
છાતીમાં દુખાવાનું ઓપરેશન થઈ જતાં જીવનભરની બચત સચવાઈ જતાં બમણો ફાયદો થયો: શ્રી રમેશભાઈ એમ કહેતા તેઓ સરકારશ્રીનો આભાર માનતા ચુકતા નથી.
લાભાર્થી શ્રી રમેશભાઈ સંગાડીયા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકારની અત્યંત ઉપયોગી યોજના છે. આ યોજના થકી હું પગ પર ઊભો થઈ શક્યો છું. અને મને કામ કરવામાં સહેજ પણ તકલીફ પડતી નથી. છાતીમાં દુખાવાને તકલીફને કારણે અટકી ગયેલું જીવન ફરી વેગવંતુ બન્યું છે. ઓપરેશન થઈ જતા જીવનભરની બચત સચવાઈ જતા બમણો ફાયદો થયો છે. જેના માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું.
આયુષ્યમાન કાર્ડના લાભથી એક પણ રૂપિયાના ખર્ચ વગર રમેશભાઈનું ઓપરેશન ઓપરેશન થઈ ગયું છે. જેથી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ખરા અર્થમાં જન-જનના આરોગ્યની બાંહેધરી તરીકે પુરવાર થઇ છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન કાર્ડ ધરાવનાર કોઈ પણ ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળે છે. આ ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરિયન ડિલીવરી, ડાયાલિસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના નાગરિકોને બમણો લાભ છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક થઈ રહી છે.
આમ, જન આરોગ્યની આ અતિ મહત્ત્વપૂર્ણ યોજનાથી લાખો ગરીબ પરિવારો પરથી સારવારના ખર્ચનો બોજ હટી જતા આરોગ્યકર્મીઓ સહિત સમગ્ર સરકારને તેમના આશીર્વાદ મળી રહ્યા છે.
૦૦૦