
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીનમાંથી પરિવારના સભ્યોના નામો કમી કરાવી કબજો જમાવવાની કોશિશ કરાતા ઉચ્ચ સ્તરે રજૂઆત
જમીનના મૂળ માલિકના વારસદારો દ્વારા જમીન અંગે રેવન્યુ રેકર્ડ કઢાવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
વડીલોપાર્જિત ખેતીની જમીન બિનખેતી કરાવ્યા વિના તેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની પણ રજૂઆત કરાઈ
સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી ખરાબાની તેમજ માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી પાકા બાંધકામ કરી જમીનો હડપ કરવાની વર્ષોથી પરંપરા ચાલતી આવેલ છે તેવી જ રીતે હાલ એક કહેવાતા સુધરેલા સમાજના વેપારી વર્ગના ધંધાદારી વ્યક્તિએ પરિવારના સીધી લીટીના વારસદાર એવા સભ્યોની વડીલોપાર્જિત જમીનોમાં ખોટા સોગંદનામાં અને ખોટા સંમતિ પત્રો ઉભા કરી મૂળ માલિકોના નામો કમી કરાવી આ જમીનો પોતાના નામે કરાવી લેતા તેની લાગતા-વળગતા તંત્રોને રજૂઆત કરી ન્યાય માટે ગુહાર લગાવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ રે.સ.નં.214,236,216 તથા 251 તેમજ પાડલીયા ગામે આવેલ રે.સ.નં. 45,49 તથા 142 વાળી જમીન આવેલી છે.જે જમીનો પૈકી સુખસર તથા પાડલીયા ખાતે આવેલ જમીનો અરજદારના પિતાના ઓએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ લીધેલ હતી.જ્યારે પાડલીયા ખાતે આવેલ જમીન અરજદારના પિતાને બક્ષિસ લેખના આધારે મળેલ હતી. આમ ઉપરોક્ત તમામ જમીનો અરજદારના પિતાની સ્વપાર્જિત જમીનો આવેલ છે.અને આ જમીનોમાં અરજદારના પિતા તથા તેમના વારસદારોનો કબજો ભોગવટો હતો.જ્યારે હાલ જે પોતાનાજ પરિવારના વ્યક્તિઓએ સાચા જમીન માલિકો અને તેમના વારસદારોના નામો કમી કરાવી પોતાના નામો દાખલ કરાવનાર લોકોનો આ જમીનમાં કોઈ પણ પ્રકારનો લાગ ભાગ કે હક્ક હિસ્સો આવેલ ન હતો.છતા લાગવગ અને જવાબદારોના
મેળાપીપણા થી આ ઓપરેશન પાર પાડ્યું હોવાનો આક્ષેપ રજૂઆત કર્તા કરી રહ્યા છે.અને તેમાં તથ્ય પણ જણાઈ રહ્યું છે.
રજૂઆત કર્તા એ કરેલ રજૂઆત મુજબ આ જમીન હડપ કરવાના ઇરાદાથી પરિવારના જ બે લોકોએ સ્થાનિક લાગતા-વળગતા તંત્રોને મળી જઇ જે સાચા જમીન માલિકો સહિત તેમના વારસદારોની બનાવટી સહીઓ કરી ખોટા સંમતિ પત્ર અને સોગંદનામાં બનાવી મૂળ માલિકના વારસદારોની જાણ બહાર ખોટી રીતે દસ્તાવેજો બનાવી બનાવટી સહી સિક્કા કરી સાચા જમીન માલિકોના નામો કમી કરાવી ખોટી રીતે જમીન માલિકો બની બેઠા હોવા બાબતે રજૂઆત કરાઈ છે. જોકે આ હકીકત સાચા જમીન માલિકોએ પોતાની જમીનો અંગેનો રેવન્યુ રેકોર્ડ કઢાવતા સાચા જમીન માલિકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવેલ છે. જ્યારે આ નામો દાખલ કરાવનાર લોકોને પૂછતા તમારાથી થાય તે કરી લો,અમારી પહોંચ ઉપર સુધી છે.અને વધારે કરશો તો અમો તમો લોકોને રોડ ઉપર લાવી દઈશું તેવી ધમકીઓ પણ આપવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવેલ છે.જોકે આ જમીન ખેતીલાયક હોવા છતાં તેમાં કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની પણ રજૂઆત કરવામાં આવેલ છે.
અહીંયા નોંધનીય બાબત છે કે,જે ખરેખર સાચા વારસદારો હોય અને કોમ્પ્યુટર ભૂલ કે અન્ય કારણોસર વારસાઈમાં નામો દાખલ થઈ નહીં શકતા આ નામો દાખલ કરાવવા મહિનાઓ તો ઠીક પરંતુ વર્ષો સુધી મામલતદાર,પ્રાંત કે કલેક્ટર કચેરીમાં ધક્કા ખાવા છતાં નિયમો અનુસારનું કામ કરાવવા નવ નેજા આવી જાય છે. ત્યારે માત્ર એક સ્ટેમ્પ ઉપર સોગંદનામાં કરાવી સાચા ખેડૂત વારસદારોના નામો કમી કરી દેવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે!?જો રજૂઆતકર્તા ની રજૂઆતમાં તથ્ય હોય અને તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને તેમાં સાચા વારસદારોને અન્યાય કરવામાં આવ્યો હોય તો તેમાં સંડોવાયેલા જે-તે લોકો સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે યોગ્ય છે.
*બોક્સ*
ઉપરોક્ત સંબંધે બનાવટી દસ્તાવેજો ઊભા કરી જમીન હડપ કરવાનો કારસો સાબિત થાય તો તેમાં સંડોવાયેલા લોકોને કાયદાકીય રીતે 406-ગુનાહિતવિશ્વાસઘાત,
420-ઠગાઈ કરીને મિલકતની ડીલેવરી મેળવવા અથવા કોઈ કિંમતો જામીનગીરી કરાવી તેમાં ફેરફાર કરાવવા કે તેનો નાશ કરાવવા બદ દાનતથી લલચાવવું,467-કીમતી જામીનગીરીની વીલની અથવા તેને
તબદિલ કરવા અથવા નાણાં સ્વીકારવાના અધિકાર પત્રની ખોટી બનાવટ કરવી,468-ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવો,471- દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવો, બનાવટી દસ્તાવેજ કેન્દ્ર સરકારની પ્રોમિસરી નોટ હોય ત્યારે તે સહિત 120-કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવી અથવા ગુનો કરવો આ તમામ કલમોમાં 6 માસથી લઈ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.