લોકસભા ચૂંટણી – ૨૦૨૪
ચૂંટણી અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાયના ચૂંટણી પ્રચાર માટે વાહનો માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ
દાહોદ તા. ૧૭
દાહોદમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ચૂંટણી પ્રભાગ, ગાંધીનગરના તા.૧૬.૦૩.૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવેલ હોઈ ચૂંટણી પ્રચારના અભિષાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.
આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવનાર હોઇ ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યકિત, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી તેમજ તેની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય, જેના કારણે સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવાનો અવકાશ રહેવાનો સંભવ હોય ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુઃખ થાય અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના રહે તેમજ સુલેહશાંતી ભંગ થવા સંભવ હોઈ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪ હેઠળ કોઈપણ વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિત દવારા કોઈપણ ઉમેદવારના ચૂંટણીના કામે વાહનોનો સબંધિત લોકસભા મતદાર વિભાગમાં કે સમગ્ર દાહોદ જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ૧૯ – દાહોદ (અ.જ.જા) સંસદીય મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે રજીસ્ટર કરાવવાના રહેશે અને રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.
આ પરમીટમાં વાહન લોકસભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે તથા વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામ અર્થે કરી શકાશે નહીં.આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય કોઈ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, સ્ટેશન વેગન, ટેકસી, ખાનગી કાર, ટ્રેક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટોરીક્ષા, સ્કુટર, સાયકલ રિક્ષા વિગેરેનો સમાવેશ થાય છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. આ હુકમ અન્વયે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.આ હુકમ ઈસ્યુ કર્યા તારીખથી બે માસ સુધી સમગ્ર દાહોદ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે એમ ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જાહેરનામા દ્વારા ફરમાવ્યું છે.
૦૦૦