રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ દ્રષ્ટિ નેત્રાલયની તબીબ બેલડીને ઓલ ઈન્ડિયા કોલકત્તા ઓપ્થેલ્મિક કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સિનિયર એચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૪’ એનાયત
દાહોદ,
ગુજરાતના છેવાડે આવેલ દાહોદમાં આવેલ દ્રષ્ટિ નેત્રાલયની સેવાભાવી તબીબ બેલડી ડૉ મેહુલ શાહ તથા ડૉ શ્રેયા શાહને કોલકત્તા ખાતે તાજેતરમાં તા.૧૫ માર્ચ, ૨૦૨૪ ના રોજ યોજાયેલ ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મિક કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સિનિયર એચિવમેન્ટ એવોર્ડ-૨૦૨3’ એનાયત થયો છે.
આ સાથે જ ઓપ્થેલ્મિક ક્ષેત્રે M.S. કરતાં તબીબી વિદ્યાર્થીઓ જે વાંચીને ભણે છે તે વિષયના ત્રણ પુસ્તકોનું વિમોચન પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રકક્ષાના આ કાર્યક્રમમાં થયું હતું, જેના Authors- લેખક તરીકે પણ ડૉ મેહુલભાઈ અને ડૉ શ્રેયાબેન શાહ છે.
દાહોદ ખાતે સ્વ-મહેનતે નામ અને દામથી ધમધમતી કરેલી પોતાની હોસ્પિટલ દ્રષ્ટિ નેત્રાલયને ૨૦૦૧ માં ઓપ્થેલ્મિક મિશન(ઓમ) ટ્રસ્ટને અર્પણ કરી તેમાં પગારદાર તરીકે જોડાઈ સેવાકર્મ કરતી આ તબીબ બેલડી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક સન્માનો મેળવી ચુકી છે.
દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે નેત્રચિકિત્સા ક્ષેત્રના અનેક એવા સાધનો છે જે રાજ્ય કે દેશમાં ખૂબ જુજ હોસ્પિટલ્સમાં છે. તો આ બંને તબીબો દ્વારા નેત્ર ચિકિત્સાના ક્ષેત્રે કરવામાં આવેલ અનેક શોધને વૈશ્વિક ધોરણે પેટન્ટ સાંપડી છે. ઉલ્લેખનીય છે કે ડૉ મેહુલભાઈ શાહ હાલમાં ૨૬,૦૦૦ ઉપરાંત સભ્યો ધરાવતા નેત્ર વિશેષજ્ઞોના સંગઠન ઓલ ઇન્ડિયા ઓક્યુલર ટ્રોમા એસો.ના મંત્રીનો પદભાર સંભાળે છે તો ઓલ ઈન્ડિયા પિડીયાટ્રીક ઓપ્થેલ્મિક એસો.ના ખજાનચીનો પદભાર ડૉ શ્રેયાબેન શાહ સંભાળી રહ્યાં છે.