મતદાન જાગૃતિ અભિયાન ૨૦૨૪ દાહોદ
સ્વિપ અંતર્ગત દેવગઢ બારિયા એક બત્તી ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ-તા. ૧૧
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ અને મામલતદાર શ્રી સમીર પટેલની અધ્યક્ષતામાં દેવગઢ બારિયા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો હતો અને દસ મિનિટ દેશ માટે, સહ પરિવાર મતદાન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. અંતે સૌએ મતદાનનો સંકલ્પ “આવો,મતદાનનો સંકલ્પ લઈએ” હેઠળ જગ્યા પર ઉભા થઈ સંકલ્પ લીધો હતો.
૦૦૦