લીમખેડા પોલીસે મોપેડ પર વિદેશી દારૂ લાવનાર ખેપિયાને દબોચ્યો..
31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સતર્ક, બુટલેગરોમાં ફફડાટ..
લીમખેડા તા.28
લીમખેડા તાલુકાના પાલ્લી નજીક ધાનપુર ચોકડી પાસેથી મોપેડ પર દારૂ લાવનાર ખેપિયાને સ્થાનિક પોલીસે ઝડપી 31 હજાર ઉપરાંત નો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની બદીને ડામવા પોલીસ સતર્ક બની ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે તેવામાં લીમખેડા પોલીસ મથકના એએસઆઇ વિજય જવસીંગભાઈ તેમજ જય મોતીભાઈ સહિતના પોલીસ કર્મીઓ ગતરોજ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક ખેપિયો મોપેડ ગાડી પર વિદેશી દારૂનો જથ્થો ભરી લીમખેડા તરફ આવતો હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે ધાનપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. થોડીવારમાં બાતમીમાં દર્શાવેલ ઈસમ Gj-20-BD-4242 નંબરની ગાડી લઈને આવતા પોલીસે તેને અટકાવી તેની પૂછપરછ કરતા તે તોયણી નિશાળ ફળિયાનો સુનિલ વજેસિંહ બારીયા હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસે મોપેડની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 87 બોટલો મળી 11,370 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો 20,000 મોપેડ ગાડી મળી 31,370 મુદ્દામાલ સાથે ખેપિયાની અટકાયત કરી પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.