
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયામાં સ્મશાન ગૃહ વિના અંતિમ સંસ્કાર માટે પડતી મુશ્કેલી
બલૈયા,મોટીરેલ,નાની-મોટી નાદુકણ,કંકાસીયા બાવાની હાથોડ,જતનના મુવાડા વિગેરે ગામડાના સ્થાનિકોએ મોંઘા ભાવની ગાડીઓ વસાવી,આલિશાન મકાનો બનાવ્યા પરંતુ સ્મશાન ગૃહના ઠેકાણા નથી!
સુખસર,તા.૨૧
જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.પરંતુ સંસારમાં આવ્યા બાદ મનુષ્ય સનાતન સત્યને ભૂલી જઈ સંસારમાં સુખ શોધવા હવાતીયા મારતાં મારતાં જીવન પૂરું કરી નાખે છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં અનેક લોકો પાસે મિલ્કત રૂપે મોંઘી દાટ ગાડીઓ,અઢળક નાણાં અને આલીશાન મકાનો છે.પણ સ્મશાન ગૃહ બનાવવા કે તેની સાફ-સફાઈ કરવા કોઈ જતું નથી. કેટલાક લોકો જીવનની સફર પૂર્ણ કર્યા બાદ જ્યાં જીવનને આખરી મંઝીલે પહોંચવાનું છે તેવા સ્મશાન ગૃહ પ્રત્યે બેદરકાર રહી છેલ્લે જેવી જગ્યા મળે તેવી જગ્યાએ આગમાં રાખ બની જવા તૈયાર છે.ત્યારે મોંધી દાટ ગાડીઓ, આલીશાન મકાનો અને મિલકત સાથે તેણે જીવનમાં ભોગવેલી સુખ સાહ્યબી નો કોઈ અર્થ રહેતો નથી.તેવું જ બલૈયા ગામમાં જોવા મળી રહ્યું છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના અનેક ગામડાંઓમાં સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી. અને અંતિમ સંસ્કાર સમયે કોઈ પણ જગ્યાએ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે છે.જ્યારે કેટલીક જગ્યાએ અંતિમ સંસ્કાર માટે અવર-જવરના રસ્તાઓ પણ નથી. પરંતુ આ બાબતે કોઈ ધ્યાન પણ આપતું નથી.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના બલૈયા,મોટીરેલ,નાની-મોટી નાદુકણ,કંકાસિયા,બાવાની હાથોડ, જતનના મુવાડા વિગેરે ગામડાઓમાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું નથી. અને મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા નદીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે.જોકે બલૈયા ગામ સહિત ઉપરોક્ત ગામડાઓમાં નોકરીયાત,વેપારીઓ,ખેડૂતો અને શ્રમિકો હજારોની સંખ્યામાં વસવાટ કરે છે.અને જેઓના સ્વજન અંતિમયાત્રા એ જાય છે ત્યારે બલૈયાની સુકી નદી ખાતે જ્યાં જગ્યા મળે ત્યાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.જોકે બલૈયા પંથક દિન પ્રતિદિન વિકાસના શિખરો સર કરી રહ્યું છે.પરંતુ એક દિવસ જવાનું નક્કી છે તેવા અંતિમ ધામની દરકાર આજ દિન સુધી કોઈએ લીધી નથી.અંતિમ સંસ્કાર ગૃહ તો ઠીક પરંતુ ડાગુ ઓને અવર-જવર કરવા માટે રસ્તાની પણ સુવિધા નથી.અને આ બાબતે કેટલાક લોકોએ લાગતા- વળગતા તંત્રને અનેક વાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવેલ છે. પરંતુ ધ્યાન અપાતું ન હોવાનું પણ જાણવા મળે છે.
ત્યારે આ દુનિયામાંથી વિદાય લેતા સ્વજનને છેલ્લી ઘડીએ જ્યાં ને ત્યાં અંતિમ સંસ્કાર આપી સંતોષ માની લઇ આપણે સમાજને શું શીખવવા માગીએ છીએ?આપણે આપણા સ્વજનોને હાલ જેમ અંતિમ સંસ્કાર આપીએ છીએ તેવી જ રીતે આપણને પણ તેવી જ હાલતમાં તે જ જગ્યાએ અંતિમ સંસ્કાર અપાશે તે ભૂલવું જોઈએ નહીં.સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ જીવનનો કોઈ ભરોસો નથી ક્યારે ક્યાં પૂરું થઈ જાય તેની કોઈને જાણ નથી.
આપણે આલીશાન મકાનો, મોંધીદાટ ગાડીઓ અને અઢળક સંપતિ ભેગી કરવામાં જ જીવન વિતાવ્યું પણ છેલ્લી ઘડીએ અંતિમ સંસ્કાર પામવા ગમે ત્યાં આપણા માટે જગ્યા શોધવા આપણા સ્વજનો મજબૂર બને ત્યારે આપણે કે આપણા સ્વજનની છેલ્લી વિદાય આપણી બેદરકારી સમજવી કે આપણા નસીબ?આપણે વિચારવું જોઈએ કે જે-જે ગામડાઓમાં સ્મશાન ગૃહ નથી તેવા ગામડાઓમાં ફરજિયાત સ્મશાન ગૃહ બનાવવામાં આવે તથા ત્યાં અવર-જવર કરવા રસ્તાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આપણે એક ગાડી માટે રસ્તાની સુવિધા ઝંખતા હોય તો અંતિમ સફરે જવાના રસ્તા પ્રત્યે બેદરકારી કેમ….?