સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તામાં આવતા દબાણો ઉપર સરકારી તંત્રની તવાઈ:મકાનો તૂટતાં નજરે જોનાર મહિલાઓ ચોધાર આંસુએ રડી.
દાહોદમાં સરકારી તંત્રના બુલડોઝરોએ 15 મકાનો તેમજ 6 દુકાનોનો ખુરદો બોલાવ્યો
દાહોદ તા. ૯
ખાનગી મિલકતને નોટિસ આપ્યા વગર તોડી પાડવાના કબજેદારના આક્ષેપો,નોટિસો આપીને કાર્યવાહી હાથ ધરાઈ, મામલતદાર..
દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત 10 સ્માર્ટરોડ અપગ્રેડેશનની કામગીરીને લઈ ગત એપ્રિલ માસમાં મોટાપાયે ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી.જેના પગલે દાહોદમાં વર્ષોથી નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરમાં ભાડુઆત તરીકે પોતાના પરિવારનો ગુજારાન કરતા 250 ઉપરાંત દુકાનદારો વિસ્થાપિત થવા પામ્યા હતા. જે બાદ ચોમાસા અને દિવાળીના તહેવારો દરમિયાન જુદા-જુદા
વિસ્તારોમાં નાના પાયે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તો દિવાળી બાદ શહેરના દર્પણ રોડ તેમજ ભીલવાડા વિસ્તારમાં રસ્તામાં આવતા દબાણકર્તાઓ સામે તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ આ વિસ્તારમાં કેટલાક કબજેદારોએ કોર્ટનો દ્વાર ખખડાવતા કામગીરી પર રોક લાગી હતી. આ દરમિયાન નેશનલ હાઇવેથી રળીયાતી થઈ શહેરને જોડતા માર્ગને સ્માર્ટ સિટી અંતર્ગત પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા તંત્ર દ્વારા આ
વિસ્તારમાં રસ્તામાં દબાણમાં આવતા 15 થી વધુ મકાનો તેમજ છ દુકાનદારોને તંત્ર દ્વારા નોટિસ આપી દબાણ ખુલ્લુ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું હતું. જેમ ત્યારબાદ આજરોજ પ્રાંત અધિકારી એન.બી.રાજપુત દાહોદ મામલતદાર મનોજ મિશ્રાની ઉપસ્થિતિમાં જેસીબી મશીનો વડે દબાણો તોડવાની શરૂઆત કરતા એક તબક્કે આ વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. જે મકાન અને દુકાનમાં આખી જિંદગી નીકળી ગઈ છે. તેમના સારા નરસા બધા પ્રસંગોની યાદગીરી અને પોતાનું ઘર દુકાનો નજર સામે બુલડોઝરો વડે જમીનદોસ્ત થતા આ બુલડોઝરો મકાનો અને દુકાનો પર નહીં પરંતુ જીવનભરની પુંજી અને દિલ પર ચાલતા હોય તેમ વિસ્થાપિત થયેલા પરિવારની મહિલાઓ હૈયાફાટ રૂદન સ્વરૂપે વેદનાઓ વ્યક્ત કરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ એપ્રિલમાં ડિમોલેશનની કામગીરીમાં વિસ્થાપિત થયેલા 250 થી વધારે દુકાનદારોની રોજી રોટી છીનવાઈ જતા તેમનું જીવન નિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે. કેટલાક વેપારીઓ તો રોજગારની તલાશમાં અન્ય શહેરો તેમજ તાલુકા ભણી વાટ પકડી લીધી છે.તો કેટલાક અહીંયા જ પોતાનો ધંધો રોજગારની તલાશમાં દરદર ભટકી રહ્યા છે. જેની વૈકલ્પિક વ્યવસ્થા હજી સુધી તંત્ર દ્વારા કરવામાં આવી આવી નથી ત્યારે વહીવટી તંત્ર દ્વારા આજરોજ ફરી દાહોદ તાલુકાના રળીયાતી મુકામે સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરતા આ વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.જોકે આજરોજ હાથ ધરાયેલી ડીમોલીશનની કામગીરીમાં કેટલાક ખાનગી મિલકતની દુકાનો તોડી પાડવાના આક્ષેપો મિલકતદાર દ્વારા વહીવટી તંત્ર ઉપર મુક્યા હતા. તેમને જણાવ્યું હતું કે અમને નોટિશો આપ્યા વગર અમારા મકાનો અને દુકાનો તોડી પડાયા છે ત્યારે આ મામલે મામલતદારે પણ પોતાની કામગીરીની પ્રતિકિયા આપી હતી અને મકાન માલિકો અને દુકાનદારોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી જોકે દાહોદમાં વહેલી સવારથીજ ત્રણ જેસીબી મશીન અને એક હિટાચી મશીન સાથે સ્માર્ટ રોડમાં આવતા 15 જેટલા મકાનો અને 10 થી વધુ દુકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી ત્યારે મકાનો તોડી પડાતા સ્થાનિક મહિલાઓ ચોધાર આશુએ રડી પડી હતી