
યાસીન ભાભોર :- ફતેપુરા
પાણી પુરવઠા યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી…
ફતેપુરાના કંકાસિયા ગામના ખેડૂતોને ખેતીના પાકોમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો.
ફતેપુરા તા.27
ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે થઈને પાણી પુરવઠા યોજના ની પાઈપ લાઈન પસાર થાય છે.કંકાસિયા ગામે વર્ષોથી આ પાણીની પાઇપ માં લીકેજ છે આ બાબતે ગામના ખેડૂતો વારંવાર પાણી પુરવઠા ના અધિકારીઓને રજૂઆત કરે છે ત્યારે પ્રથમ તો અધિકારીઓ રજૂઆત સાંભળતા જ નથી અને ત્યારબાદ કર્મચારીને મોકલે છે અને પાઇપમાં લાકડાના બુચ મારીને લીકેજ બંધ કરવાની કોશિશો કરે છે અને પાઇપને ફરતે પ્લાસ્ટિક કે બાંધીને આ લીકેજ બંધ કરવાની કોશિશો કરે છે પરંતુ આ લીકેજ કાયમ માટે બંધ કરવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.જોકે હાલ માં અત્યારે કંકાસિયા ગામેથી પસાર થતી આ પાણીની પાઇપલાઇનમાં ઓછામાં ઓછા 10 થી 12 લાકડાના બુચ મારેલા જોઈ શકાય છે પરંતુ આ બુચમાં થઈને પણ પાણી વહી જાય છે અને આ પાણી કંકાસિયા ગામના મોટાભાગના ખેતરોમાં ઘૂસી જાય છે જેના પગલે કંકાસિયા ગામના ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ જાય છે અને કંકાસિયા ગામના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે.જયારે હાલમાં પણ ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે મોટાભાગના ખેતરોમાં ઉભા પાક માં પાણી ભરાઈ રહેલું જોવા મળે છે ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલું હોવાના કારણે કંકાસિયા ગામે કોઈપણ મજૂરો ખેતરમાં કામ કરવા માટે આવતા નથી તેના પગલે પણ ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જો કોઈ મજૂર કામ કરવા આવે છે તો મજુર ને સતત પાણીમાં રહીને કામ કરવું પડે છે જેના પગલે અહીં મજૂરી કામે આવતા મજૂરો પણ સતત પાણીમાં રહેવાના કારણે બીમાર પડે છે.જોકે આ બાબતે કંકાસીયા ગામના ગ્રામજનોએ વારંવાર પાણી પુરવઠા યોજના ના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી અને રજૂઆતો કર્યાના 15 15 દિવસ સુધી કોઈ પાઇપલાઇન જોવા આવતું પણ નથી અને જ્યારે પણ કર્મચારી પાઇપ લાઈન જોવા આવે છે ત્યારે લિકેસ જોવા મળે છે ત્યાં લાકડાનો બુચ મારી દે છે અને મીણિયા તેમજ પ્લાસ્ટિક બાંધીને આ લીકેજ બંધ કરવાની કોશિશ કરે છે પરંતુ આ લાકડાના બુચમાંથી તેમજ મીણીયા અને પ્લાસ્ટિક માંથી પણ પાણી ટપકતું જ રહે છે ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને કંકાસિયા ગામના ખેડૂતોની મુશ્કેલીઓનો દૂર કરવામાં આવે અને આ લીકેસ પાઈપ નો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી કંકાસિયા ગામના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.