રાજેશ વસાવે :- દાહોદ
પાણી વગરનું લક્ષ્મીપાર્ક ..ગેરકાયદેસર નળ કનેક્શન કપાયા…
દાહોદ નગરપાલિકાની મોટી કાર્યવાહી,લક્ષ્મીપાર્કમાં ગેરકાયદેસર 250 ઉપરાંત નળ કનેક્શન કાપી નાખ્યા…
સ્થાનિકો નળ કનેકશનો યથાવત રાખવા કલેકટર કચેરીએ પહોંચ્યા,
દાહોદ તા. ૨૬
દાહોદ નગરપાલિકાએ આજરોજ શહેરના લક્ષ્મીપાર્કમાં ગેરકાયદેસર નળ કનેક્શન કાપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરતા લક્ષ્મી પાર્કના રહેવાસીઓ દ્વારા પાલિકાને જાણ કર્યા વગર બારોબાર નળ કનેક્શનનું જોડાણ કર્યા હોવાનું સામે આવતા પાલિકાના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.જોકે ઉપરોક્ત વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવતો હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ચેકીંગ દરમિયાન 250 ઉપરાંતના ગેરકાયદેસર નળ કનેકશનો કાપી દીધા હતા. જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષની સાથે ઉતેજના પણ ફેલાઈ જવા પામી હતી.
દાહોદ શહેરમાં કડાણા જળાશય આધારિત પીવાની પાઇપલાઇન પર નિર્ભર ગોદીરોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રેસરમાં તેમજ અનિયમિત પણે પાણી ન આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.જે બાદ દાહોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં તપાસ હાથ ધરતા કેટલી જગ્યાએ લીકેજના પ્રોબ્લેમ પણ જોયા હતા.જે દૂર કર્યા બાદ લાઈનની ચકાસણી કરતા નગરપાલિકાની હદમાં આવેલી મેનલાઇનમાંથી ગલાલીયાવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા લક્ષ્મીપાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાલિકાને જાણ કર્યા વગર બારોબાર ગેરકાયદેસર જોડાણો કરી દીધા હોવાનું ફરિયાદો મળતા પાલિકાની ટીમ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં તપાસ હાથ ધરતા લક્ષ્મીપાર્ક વિસ્તારના રહેવાસીઓએ 250 ઉપરાંત ઘરોમાં પાણીની મેનલાઇન માંથી બારોબાર કનેક્શનનું જોડાણ કરી દીધા હોવાનું સામે આવતા પાલિકાએ આજરોજ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અને પાણી પુરવઠા વિભાગના અધિકારી આશિષ રાણા,તેમજ પાલિકાના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી આજરોજ લક્ષ્મીપાર્ક વિસ્તારમાં 250 ઉપરાંત ગેરકાયદેસર નળ કનેક્શન કાપી દીધા હતા.જેના પગલે સ્થાનિક રહીશો નળ કનેક્શન યથાવત રાખવા કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.જ્યાં ઉપરોક્ત કનેક્શનનો ગેરકાયદેસર હોવાથી પણ નહીં થાય તેમ જોવા મળતા તમામ રજૂઆત કર્તાઓ વીલા મોઢે પરત કર્યા હતા.
ગ્રામ પંચાયતના રહેવાસીઓએ ગેરકાયદેસર જોડાણ કરતા કાર્યવાહી હાથ ધરાઈ :- (યશપાલ સિંહ વાઘેલા ચીફ ઓફિસર દાહોદ નગરપાલિકા )
ગોદીરોડ વિસ્તારમાં લો પ્રેશરનો પ્રોબ્લેમ હોવાથી તપાસ દરમિયાન ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા લક્ષ્મીપાર્કના રહીશોએ નગરપાલિકાની મેનલાઇનમાં ભંગાણ કરી પાલિકાને જાણ કર્યા વગર બારોબાર ગેરકાયદેસર જોડાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવતા નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી આજરોજ 250 ઉપરાંત ગેરકાયદેસર નળ કનેક્શનો કાપ્યા છે. અને હવે આવતીકાલે પાણી સપ્લાય શરૂ કર્યા બાદ વધારાના ગેરકાયદેસર જોડાણ સામે આવશે તો તેઓને પણ કાપી નાખવામાં આવશે.