બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પાણીના વલખાં મારતી કિશોરીઓ*
બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો 6 થી 12 માં અભ્યાસ કરતી 150 કિશોરીઓ અભ્યાસ કરી રહી છે.
(પ્રતિનિધિ ) સુખસર,તા.11
સરકાર દ્વારા આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગની મહિલાઓ શૈક્ષણિક ક્ષેત્રે પછાત રહે નહી તે હેતુથી ભણતરના પ્રથમ પગથિયાથી લઈ શિક્ષણ પૂરું થતાં સુધી સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ સ્થાનિક થી લઈ તાલુકા- જિલ્લાના જવાબદારોના મનસ્વી વહીવટથી સરકારના આયોજન મુજબની સુવિધા મળતી નહીં હોવાની અવારનવાર બુમો ઉઠતી રહે છે.તેવી જ રીતે હાલ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાલિકાઓ પાણી વિના વલખાં મારતી હોવાની ફરિયાદ ઊઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ગત ચારેક વર્ષથી સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.અને હાલ અહીંયા 150 જેટલી ધોરણ 6 થી 12 સુધીમાં અભ્યાસ કરતી કિશોરીઓ રહે છે.અને અભ્યાસ કરી રહી છે આ વિદ્યાલય પાછળ સરકાર દ્વારા ખાવા, પીવા,રહેવાની તમામ પૂર્ણ સુવિધા માટે વર્ષે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી રહી છે.તેમ છતાં અહીંયા વસવાટ કરી અભ્યાસ કરતી કિશોરીઓને પીવાના તથા વાપરવાના પાણીના વલખાં પડી રહ્યા હોવાની બૂમો ઊઠવા પામેલ છે. જોકે અહીંયા અગાઉ બોર કાઢવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ જતા તે બિન કાર્યરત છે.તેમજ નજીકથી પસાર થતી કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન પણ જઈ રહી છે.તેમજ ભાણા સીમલ યોજનાનું પાણી અઠવાડિયામાં એકાદ દિવસ અડધાથી પોણા કલાક સુધી આવે છે.જે અહીંયાની વિદ્યાર્થીનીઓ માટે પૂરતું નથી.ત્યારે પાણીનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે અહીંયા નવીન બોર અથવા તો કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન માંથી જોડાણ આપવામાં આવે તો અહીંયા રહેતી કિશોરીઓને પાણીનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે તેમ છે.
હાલ આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે પીવાના તથા વપરાશ માટે ટેન્કર દ્વારા પાણી મંગાવવામાં આવે છે.અને તેના નાણાં આપવા પડે છે.અને આ નાણાં નહીં અપાતા ટેન્કર વાળા પણ પાણી આપવાનું બંધ કરી દેતા હોવાનું જાણવા મળે છે.અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,આ વિદ્યાલયમાં સમિતિ પણ રચવામાં આવેલ છે.પરંતુ સમિતિના સભ્યો અહીંયા રહેતી કિશોરીઓને પડતી મુશ્કેલીની જાણકારી બાબતે માહિતી મેળવવા તસ્દી લેતા નહીં હોવાનું પણ જાણવા મળે છે.જેથી નવીન સમિતિની હાલ રચના કરવામાં આવેલ હોવાની પણ ચર્ચા છે.
જ્યારે અહીંયા પાણીની વ્યવસ્થા માટે બોરની સુવિધા માટે અહીંયાના સરપંચને વાત કરતા હાલમાં બોરની ગાડીઓ નથી માટે હાલ આપને આ સુવિધા મળે નહીં તેમ પણ જણાવ્યુ હોવાનું જાણવા મળે છે.તેમજ અહીંયા પાણીની પડતી મુશ્કેલી માટે ઉચ્ચસ્તરે અનેક વાર રજૂઆતો કરવા છતાં ઊંચ્ચ અધિકારીઓ પણ ધ્યાન આપતા નહીં હોવાની ચર્ચા સાંભળવા મળે છે.
*બોક્સ*
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બલૈયા ખાતે આદિજાતિ સમાજની કિશોરીઓ અભ્યાસ કરી રહી છે.અને સરકારના નિયમ પ્રમાણે અન્ય તમામ સુવિધાઓ પ્રત્યે અમો ખાસ ધ્યાન રાખીએ છીએ.અને અહીંયા રહી અભ્યાસ કરતી કિશોરીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેના માટે પણ અમો સતર્ક રહીએ છીએ.પરંતુ અહીંયા પીવાના તથા વપરાશ માટેના પાણી માટે મોટી મુશ્કેલી છે.અને આ મુશ્કેલી વહેલી તકે દૂર થાય તેવી અમારી રજૂઆત છે.
*(સેજલબેન પરમાર,કે.જી.બી.વી. બલૈયા,વોર્ડન કમ શિક્ષિકા)*