લીમખેડા કોર્ટના પુનઃઐતિહાસિક ચુકાદાથી કોર્ટ સંકુલમાં સન્નાટો…
ધાનપુર તાલુકાના ભોરવા ગામે બે વર્ષ અગાઉ પૈસાની લેવડદેવડ મામલે થયેલી હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની કોર્ટે સજા ફટકારી..
કોર્ટે સમાજમાં ઉદાહરણ રૂપ દાખલો બેસે તે માટે આરોપીને આજીવન કેદની સાથે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો..
લીમખેડા, તા.૨૫
દાહોદ જિલ્લાની લીમખેડાની કોર્ટ દ્વારા એક પછી એક ઐતિહાસીક ચુકાઓને પગલે આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે વધુ એક ચુકાદાને પગલે કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો જેમાં વર્ષ ૨૦૨૧માં ધાનપુર તાલુકાના ભોરવા ગામના એક હત્યાના આરોપીને ત્રીજા એડીશનલ સેશન્સ જજ, લીમખેડાની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સાથે સાથે રૂા. ૧૦ હજારના દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ગત તા.૧૭.૦૭.૨૦૨૧ના રોજ ધાનપુર તાલુકાના ભોરવા ગામે નિશાળ ફળિયામાં રહેતો જુવાનસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયાએ માત્ર પાંચસો રૂપીયાની લેવડ દેવડ મામલે ગામમાં રહેતાં કાળુભાઈ રતાનભાઈ બારીયા સાથે ઝઘડો તકરાર કર્યાે હતો અને જુવાનસિંહે આવેશમાં આવી કાળુભાઈના માથાના ભાગે લોખંડના સળીયા અને કુહાડીના ઉપરા છાપરી ઘા મારી દેતાં કાળુભાઈનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ સંબંધે જે તે સમયે મૃતક કાળુભાઈની પત્નિ જશુબેન કાળુભાઈ બારીયાએ ધાનપુર પોલીસ મથકે આરોપી જુવાનસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ લીમખેડાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં પહોંચી જતાં આ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં આરોપી જુનાવસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયાને આજીવન કેદની સજા સાથે સાથે રૂા. ૧૦ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.
—————————-