બાબુ સોલંકી :- સુખસર
દાહોદ,પંચમહાલ,મહીસાગર જિલ્લા રોહિત સમાજ દ્વારા 14 એપ્રિલ-23 ના રોજ વિવિધ મુદ્દાની સામાજિક ચર્ચા માટે સંતરામપુર ખાતે મીટીંગનું આયોજન કરાયું.
સંતરામપુર ખાતે સવારના 10:00 કલાકે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર બાદ કબીર મંદિર ખાતે સામાજિક બાબતે વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સુખસર,તા.7
સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર દ્વારા દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લા રોહિત સમાજના આગેવાનો દ્વારા આગામી સમયમાં આવી રહેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતી નિમિત્તે સંતરામપુર ખાતે સમાજના સામાજિક વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રોહિત સમાજના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહેનાર હોવાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર ના પ્રમુખ ગનાભાઇ ભુનેતરની અધ્યક્ષતામાં 14 એપ્રિલ-2023 ના રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતી નિમિત્તે સંતરામપુર ખાતે રોહિત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.જેમાં દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના રોહિત સમાજના તમામ ભાઈ-બહેનોને સવારના 10:00 કલાકે ગાયત્રી મંદિર સંતરામપુર બાયપાસ ચોકડી ખાતે પૂજ્ય ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થળે જન્મ જયંતીની ઉજવણી કરવા હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર ચડાવ્યા બાદ સરઘસ આકારે સંતરામપુર ગોધરા રોડ ઉપર આવેલ કબીર મંદિર ખાતે રોહિત સમાજની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમાજના વિવિધ મુદ્દાઓની સમાજના દરેક સભ્યોની હાજરીમાં સામાજિક વડીલો દ્વારા ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવશે.
આયોજન કરવામાં આવેલ મિટિંગમાં હાલ થોડા દિવસો અગાઉ કારંટા ખાતે ઉર્સના મેળામાં નાના ખાનપુર ગામની રોહિત સમાજની દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવી હતી.તેની ઘોર નિંદા અને શોક દર્શક બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મીટીંગનું આયોજન કરવામાં આવશે.જેમાં સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુરનું ગત વર્ષોના વાર્ષિક અહેવાલનું વાંચન કરી સમાજના સભ્યોને વાકેફ કરવામાં આવશે.ત્યારબાદ રોહિત સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે બંધારણ પુસ્તિકા તૈયાર કરવામાં આવેલ છે અને જે બંધારણ પ્રમાણે સમાજને સંગઠિત થઈ સામાજિક દરજ્જો ઊંચો આવે તેના માટે ચર્ચા કરવામાં આવશે.તેમજ રોહિત સમાજના યુવાનોમાં નશા મુક્તિને વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન તેમજ ખાસ કરીને રોહિત સમાજમાં રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવશે.સાથે-સાથે સમાજમાં દીકરા-દીકરીના લગ્નના ખર્ચ પેટે લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવે છે.ત્યારે સમૂહ લગ્નોનું આયોજન કરી સમાજના સભ્યોને મર્યાદિત ખર્ચમાં પોતાના સંતાનોના લગ્ન થાય તેના માટે વાકેફ કરવામાં આવશે. તેમજ દીકરીના લગ્ન વખતે લેવામાં આવતી દહેજ પ્રથા વર્ષો વર્ષ નિરંકુશ બનતી જાય છે ત્યારે દહેજ પ્રથા બંધ કરવામાં આવે અને મર્યાદિત ખર્ચ માં લગ્ન પ્રસંગ પૂર્ણ થાય તે બાબતે સમાજના સભ્યોને સંગઠિત થઈ સમાજને ઉંચે લાવવા ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.