Thursday, 28/03/2024
Dark Mode

દિવાળી નિમિત્તે શહેરના બજારોમાં મંદી જોવાતા વેપારીઓમાં ચિંતાનો માહોલ:દાહોદ જિલ્લામાંથી 50 ટકા જેટલા શ્રમિક પરિવારો પેટ્યું રળવા બહારગામ હોવાથી દિવાળી ફિક્કી રહેવાના અણસાર…

October 23, 2022
        930
દિવાળી નિમિત્તે શહેરના બજારોમાં મંદી જોવાતા વેપારીઓમાં ચિંતાનો માહોલ:દાહોદ જિલ્લામાંથી 50 ટકા જેટલા શ્રમિક પરિવારો પેટ્યું રળવા બહારગામ હોવાથી દિવાળી ફિક્કી રહેવાના અણસાર…

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં દિવાળી નિમિત્તે શહેર બજારોમાં મંદી જોવાતા વેપારીઓમાં ચિંતાનો માહોલ.

જિલ્લાની 50% જેટલા શ્રમિક લોકો દિવાળીના તહેવારને બાજુ ઉપર રાખી રોજી રોટી માટે પરિવાર સાથે બહારગામ મજૂરી કામે ગયેલા છે.

જિલ્લામાં દિવાળીના તહેવાર કરતાં દેવ દિવાળીનું આદિવાસી સમાજમાં ખાસ મહત્વ છે.

 સુખસર,તા.22

ગઈકાલે ધનતેરસ હતી.અને ઘેર-ઘેર લક્ષ્મીજીનું પૂજન થયું હશે.તેમની આરાધના થશે.દેવી લક્ષ્મી પરિવાર ઉપર પોતાની કૃપા સતત બનાવી રાખે એ માટે મનથી દરેક ઘરમા ભક્તિભાવથી આરાધના થશે. શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ધન,વૈભવ, સંપતિ,યસ અને કીર્તિના દેવી માનવામાં આવે છે.એવું કહેવાય છે કે મા લક્ષ્મીની કૃપા વગર જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતા સંભવ નથી. માતા લક્ષ્મી પોતાના ભક્તોની મનોકામના અનેક રૂપમાં પૂર્ણ કરે છે.

   દાહોદ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે શહેર બજારોમાં જે ઘરાકી ઉપડવી જોઈએ તે નજરે પડતી નથી.મોટાભાગના ધંધા રોજગાર મંદા સાબિત થઈ રહ્યા છે. જ્યારે કપડાના વેપારીઓ પણ તહેવારની દ્રષ્ટિએ જે વેપાર ધંધામાં તેજી હોવી જોઈએ તે નહીં જણાતા નિરાશા જોવા મળી રહી છે.જોકે છેલ્લા બે વર્ષમાં કોરોના કાળના લીધે લોકો છૂટથી દિવાળી જેવા તહેવારો ઉજવી શક્યા નથી.જ્યારે ચાલુ વર્ષે ખાસ કરીને કોઈ કુદરતી વિઘ્ન ન હોવા છતાં પ્રજામાં નાણાંના અભાવે તહેવારો ફિક્કા સાબિત થઈ રહ્યા છે.તેમજ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક સ્વજનોના મરણ જેવા બનાવો બનેલા હોય દિવાળી જેવા તહેવારોની ઉજવણી કરતા નથી.તેના લીધે પણ બજાર માર્કેટમાં મંદી જોવાઈ રહી છે. અહીંયા એ જણાવવું જરૂરી છે કે,જે લોકો કેટલાક કારણોસર દિવાળીની ઉજવણી કરી શકતા નથી તેઓ ચૌદ દિવસ પછી આવતા દેવ દિવાળીના તહેવારની હર્ષોલાષથી ઉજવણી કરે છે.અને ગમે તેવા નોકરી-ધંધા ઉપર ગયેલા શ્રમિક અને નોકરીયાતો વતનમાં પરત ફરતા હોય છે.તેથી હાલ વેપાર ધંધામાં જોવાઈ રહેલી મંદી દિવાળી બાદ ખૂલે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.

 ગત સમયમાં દિવાળી જેવા તહેવારોની મોસમમાં લોકોમાં જે હર્ષલાસ જોવા મળતો હતો તેમાં કમી વર્તાઈ રહી છે.તેમાં બબ્બે વર્ષ સુધી કોરોનાકાળનો સામનો કર્યા બાદ સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે પરિવારને રોજી રોટી માટે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હિજરત કરવી પડતી હોય તહેવારો કરતાં પરિવારના ભરણપોષણની શ્રમિક લોકોને વધુ ચિંતા સતાવતી હોય દિવાળી જેવા તહેવારોને બાજુ પર રાખી પેટીયુ રળવામાં વધુ ધ્યાન આપતા હોય છે.જેના લીધે પણ બજારોમાં મંદી જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!