દેવગઢબારિયા તાલુકાના છાસિયા ગામે તાંત્રિક વિધિ માટે લઇ જવાતા કાંટાળા ઉંદર સાથે તાંત્રિક સહિત 4 ઝડપાયા..
કાંટાળા ઉંદરની પ્રજાતિ લુપ્તતાના આરે છે : ભૂતપ્રેત દૂર કરવાની વિધિમાં ઉપયોગ કરવાના હતા
વનવિભાગ દ્વારા પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી : રૂપિયા 25 હજારના દંડ પણ વસૂલાત કરી..
દે.બારીયા તા.31
દેવગઢ બારિયા તાલુકાના છાસિયા ગામમાં જંગલી કાંટાળા ઉંદર(ઇન્ડિયન હેજહોગ) સાથે વન વિભાગે એક તાંત્રિક સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતાં. આ કાંટાળા ઉંદરનો ઉપયોગ ભૂતપ્રેત ભગાવવા માટેની તાંત્રિક વિધિના ઉપયોગ માટે કરવાના હતાં. વન વિભાગે ચારે સામે પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.
દેવગઢ બારિયા તથા જાંબુઘોડા રેન્જના જંગલમાંથી જંગલી કાંટાળા ઉંદર (ઇન્ડિયન હેજ હોગ)ને પકડીને તેની તસ્કરી કરાતી હોવાની બાતમીના આધારે જંબુઘોડા વન્ય પ્રાણી રેન્જ તથા સાગટાળા રેન્જના સ્ટાફ સાથે રહી દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમાર અને મદદનીશ વન સંરક્ષક પ્રશાંત તોમર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારે છાસિયા ગામે ચાર શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવતાં તલાશી દરમિયાન તેમની પાસેથી શેરવો, ઇન્ડિયન હેજહોગ અને જંગલી કાંટાળા ઉંદરના નામે ઓળખાતુ પ્રાણી મળી આવતાં વનકર્મીઓ ચોંકી ઉઠ્યા હતાં.
જંગલી ઉંદરની હેરાફેરી કરી રહેલાં કવાંટના તાંત્રિક નાગલિય મનુભાઇ રાઠવા, પાવીજેતપુરના સમડી ગામના મસરૂભાઇ રામસિંગભાઇ રાઠવા, મુવાડાના હમજી જબુ રાઠવા અને છાસિયા ગામના મલાભાઇ સુરસિંગભાઇ નાયકની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ ચારેયે જંગલમાંથી કાંટાળા ઉંદરને પકડ્યો હોવાનું જણાવ્યુ હતું.
ભૂતપ્રેત ભગાવવા માટે આ કાંટાળા ઉંદર ઉપર તાંત્રિક વિધિ કરવાની હોવાની તેમણે માહિતી આપી હતી. આમામલે વન વિભાગ દ્વારા ચારેય સામે બારા રાઉન્ડમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ.(સુધારો) 1972ની કલમ 2(16) અને 9 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ચારેય પાસેથી વસુલાત પેટે 25 હજાર રૂપિયા પણ વસુલ કરાયા હતાં. આ કાંટાળા ઉંદરની પ્રજાતિ લુપ્તતાના આરે હોવાનું જાણવા મળ્યું છે. તે ખુબ જ જૂજ સંખ્યામાં જોવા મળતા હોય છે.આ મામલે નાયબ વન સંરક્ષક.દે.બારિયાના આર.એમ પરમાર, નાઓએ જણાવ્યું હતું કે બાતમીના આધારે વોચ ગોઠવીને ચારેયને ઇન્ડિયન હેજહોગ સાથે ઝડપી પાડ્યા હતાં. ભૂતપ્રેત ભગાવવા માટે તાંત્રિક વિધિ કરવા તેને જંગલમાંથી પકડીને લઇ જઇ રહ્યા હોવાની ચારેયે માહિતી આપી હતી. ચારેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રે ઉલ્લેખનીય છે કે આ જંગલી કાંટાળો ઉંદર આમ તો સામાન્ય ઉંદર જેવો જ હોય છે પરંતુ તેના શરીરે શાહુડી જેવા કાંટા તેને સામાન્ય ઉંદરથી જુદો પાડે છે. તેનું મોઢુ ગોળ હોય છે અને તે પોતાનું મોઢુ કાંટામાં સંતાડી પણ શકે છે.કાંટાને કારણે આ ઉંદરનો શિકાર મુશ્કેલ હોય છે. આ ઉંદરો સાંપનો પણ મુકાબલો કરી જાણે છે.