જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દે.બારીયા તાલુકાના બૈણા ગામે અંધશ્રદ્ધાનું ભૂત વળગ્યું:બે ઈસમોએ મારક હથિયારો સાથે મહિલાના ઘરે જઈ મહિલા સહીત ચાર લોકો પર હુમલો કરતા ચકચાર..
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામ અંધશ્રધ્ધાનું ભુત વળગતાં બે ઈસમોએ એક મહિલા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી મહિલાના ઘરે પહોંચી જઈ બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાના ઘરના સદસ્યોના ત્રણ વ્યક્તિઓને કુહાડી વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ બૈણા ગામે ભુલવણ માવી ફળિયામાં રહેતાં ગુરૂસીંગભાઈ ફુલજીભાઈ માવી અને ચંદુભાઈ ગુરસીંગભાઈ માવી એમ બંન્ને જણા પોતાની સાથે કુહાડી, લાકડી જેવા મારક હથિયારો સાથે પોતાનાજ ગામમાં રહેતાં સુરતીબેન બાબુભાઈ માવીના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આજથી આશરે છએક મહિના પહેલા મારી પત્નિ મરણ ગયેલ હોય અને તું ડાંકડ છે અને તું મારી પત્નિને ખાઈ ગયેલ છે અને તેના કારણે મારી પત્નિ મરણ ગયેલ છે. આમ, કહેતા સુરતીબેન અને તેમના પરિવારજનોએ ગાળો બોલવાની ના પાડતાં ગુરસીંગભાઈ અને ચંદુભાઈ બંન્ને એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ કુહાડી, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી બાબુભાઈ, રાજુભાઈ, ઉદેસીંગભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે સુરતીબેન બાબુભાઈ માવીએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–