ગરબા જોવા ગયેલા સગીર વિદ્યાર્થીની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી આવી : હત્યા કરી ફેંકી દીધો હોવાનું બહાર આવતા ચકચાર

Editor Dahod Live
2 Min Read

નવા વડીયાના હાઇસ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બુધવારે રાત્રે ગરબા જોવા તેના મિત્રોની સાથે નિકળ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના શાષ્ટા ગામના લાપત્તા વિદ્યાર્થીનો મૃતદેહ ગુરુવારે સવારે ઘુમણી અને ફત્તેપુરા ગામની સીમમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા ચકચાર 

દાહોદ ડેસ્ક તા.03
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના શાષ્ટા ગામના લાપત્તા સગીર વિદ્યાર્થીનો  ગુરુવારે સવારે મૃતદેહ મળી આવતા તેની હત્યા થઇ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બુધવારે રાત્રે તે તેના મિત્રોની સાથે ગરબા જોવા નિકળ્યો હતો. ત્યાર બાદ લાપત્તા વિદ્યાર્થીનો ગુરુવારે સવાર તેના ગામની નજીકમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 
સૂત્રોના જણાવ્યા અનુસાર શાષ્ટા ગામે આવેલ નવા વડીયા હાઇસ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતો પ્રભાત સમાભાઇ ડાંગી (ઉ.૧૭) તેના મિત્રો આશિશ લાલાભાઇ ડાંગી, વિપુલ પુંજાભાઇ ડામોર તથા અક્ષય લાલાભાઈ ડાંગીની સાથે ગામમાં હરીઓમ મંદિર પાસે નવરાત્રીના ગરબા જોવા માટે નિકળ્યો હતો. જે સવાર સુધી ઘેર પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ગુરુવારે લગભગ સાડા અગીયાર વાગ્યાની આસપાસ શાષ્ટા ગામની નજીકમાં જ ઘુમણી અને ફત્તેપુરા ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં જઇને તપાસ કરતાં તે પ્રભાત ડાંગીનો મૃતદેહ હોવાની વિગતો મળી હતી. 
આ ઘટના અંગેની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ પર જઇને તપાસકરતાં પ્રભાતના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનુ જણાઇ આવ્યુ હતુ. તેનુ મોઢુ પણ લોહીથી ખરડાયેલુ હતુ. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. તેની કોઇ સ્થળે હત્યા કર્યા બાદ લાશને હુમલાખોરો ઢસડીને ભીંડીના વાવેતર લઇ જઇને સંતાડીને ફરાર થઇ ગયા હોવાનું અનુમાન કરીને તપાસ શરૂ કરી દીધી છે.

Share This Article