સુખસર-ફતેપુરા તાલુકામાં ચોમાસુ વરસાદના અભાવે નદી,નાળા,કુવા તળાવો ખાલીખમ:સામાન્ય વરસાદથી મકાઈ જેવા પાકોને જીવતદાન મળ્યું* *વરસાદના અભાવે રવિ સિઝન માટે ખેડૂતો ચિંતિત:આવનાર સમયમાં પીવાના પાણી કટોકટી સર્જાવાના એંધાણ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર-ફતેપુરા તાલુકામાં ચોમાસુ વરસાદના અભાવે નદી,નાળા,કુવા તળાવો ખાલીખમ:સામાન્ય વરસાદથી મકાઈ જેવા પાકોને જીવતદાન મળ્યું*

*વરસાદના અભાવે રવિ સિઝન માટે ખેડૂતો ચિંતિત:આવનાર સમયમાં પીવાના પાણી કટોકટી સર્જાવાના એંધાણ* સુખસર,તા.21

  સુખસર તથા ફતેપુરા તાલુકામાં ચોમાસાના મોટાભાગનો સમય વીતી જવા છતાં આજદિન સુધી નદી,નાળા મા નીર આવ્યા નથી.તેમ જ હાલ નદી,નાળા,કૂવા,તળાવો ખાલીખમ જોવા મળે છે.અને હાલ જેવી સ્થિતિ આગલા દિવસોમાં થશે તો રવિ સિઝન માટે ખેડૂતોને હાલથી જ હાથ ધોઈ નાખવાનો સમય ઊભો થયો હોય તેમ જણાય છે.તેમજ આવનાર સમયમાં ખેતીવાડી તો ઠીક પરંતુ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે.

      ચોમાસાના પોણા ભાગના દિવસો પસાર થઈ ચૂક્યા બાદ પણ ફતેપુરા તથા સુખસર તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે.હાલ સુધી ધોધમાર કે મેઘમહેર કહી શકાય તેવા વરસાદનો અભાવ છે.અને સમયાંતરે એકદમ સામાન્ય કહી શકાય તેવા વરસાદી પાણીથી મકાઈ તુવર ડાંગર સોયાબીનની ખેતી જેમ તેમ પાકણી તરફ જઈ રહી છે.જ્યારે ઓગસ્ટના છેલ્લા દસ દિવસોમાં ગરમી તથા સામાન્ય કહી શકાય તેવા વરસાદના અભાવે મકાઈ જેવા પાકો નિષ્ફળતાના આરે પહોંચી ચૂક્યા હતા.પરંતુ ત્યારબાદ 12,13 તથા 14 ઓગસ્ટ 2026 ના રોજ સામાન્ય કહી શકાય તેવો વરસાદ થતાં મકાઈ,તુવર,સોયાબીન જેવા પાકોને જીવત દાન મળતા ખેડૂતો થોડા ચિંતામુક્ત થયા છે.પરંતુ ડાંગરના પાક માટે ખેડૂતો ચિંતામાં મુકાયેલા નજરે પડે છે.ચાલુ વર્ષે ચોમાસુ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો સમય આવતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.તેમજ હાલના સંજોગોને જોતાં આવનાર શિયાળા, ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની પણ ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ પણ જણાઈ રહ્યા છે.

       અહીંયા જણાવવું ખાસ જરૂરી છે કે,સરકારી ચોપડાઓમાં સરકાર દ્વારા સુખસર તથા ફતેપુરા તાલુકામાં કદાચ સારો વરસાદ થયેલ હોવાના આંકડા બતાવાતા હોય પરંતુ સ્થાનિક જગ્યાએ જોતા હકીકત અલગ જોવા મળે છે.હજી ચોમાસુ દિવસો બાકી છે અને નદી,નાળા,તળાવો અને કુવાઓમાં પાણીનો સંગ્રહ થશે તેવી આશા બંધાયેલી છે.અને વરસાદ થાય તો જ આવનાર સમયમાં રવિ સિઝનની ખેતીવાડી તથા પીવાના પાણીની સમસ્યા દૂર થશે.સુખસર તથા ફતેપુરા તાલુકામાં હાલ સુધીમાં ખેડૂતો સહિત પ્રજાને સંતોષકારક કહી શકાય તેવો વરસાદ થયેલ નથી. અને હવે વરસાદ થશે કે કેમ તેવા ખેડૂતોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Share This Article