રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદની જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે ‘પ્રાકૃતિક ગણેશ મૂર્તિ બનાવવાની સ્પર્ધા’ યોજાઈ*
દાહોદ તા. 13
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નેશનલ સર્વિસ સ્કીમ (NSS) વિભાગ દ્વારા ‘પ્રાકૃતિક ગણેશ મૂર્તિ બનાવવાની સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સુરક્ષાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ સ્પર્ધા કોલેજના આચાર્ય ડૉ. નર્મદાબેન પટેલ તથા NSS પ્રોગ્રામ ઓફિસર મૌલિક શ્રોત્રિયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
વર્તમાન સમયમાં પ્લાસ્ટિક, રાસાયણિક માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) થી થતાં પર્યાવરણીય નુકસાન પ્રત્યે જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ સ્પર્ધામાં NSSના ૨૨ જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના કેમિકલ કે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો વિના, માત્ર પ્રાકૃતિક માટી અને કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને અત્યંત આકર્ષક અને સુંદર ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી હતી.
આ પ્રસંગે કોલેજના અધ્યાપકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધક સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.
૦૦૦
