દેવગઢ બારિયાના સાલિયા ગામે કરોડોની જમીનના વિવાદમાં મોટો ખુલાસો.!

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારિયાના સાલિયા ગામે કરોડોની જમીનના વિવાદમાં મોટો ખુલાસો.!

નિઃસંતાન કાકાની મિલકતમાં ભત્રીજાએ પોતાને પુત્ર દર્શાવી હક્ક દાખલ કરાવ્યો હોવાનો મામલો, ડેપ્યુટી કલેક્ટરે વિવાદિત નોંધ રદ કરી

દાહોદ તા.10

દેવગઢ બારીયા તાલુકાના સાલિયા ગામે કરોડો રૂપિયાની કિંમતી જમીનના હક્કને લઈને થયેલા વિવાદમાં મહેસૂલી કોર્ટની કાર્યવાહી બાદ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. નિઃસંતાન કાકાની મિલકત પચાવી પાડવાના હેતુથી ભત્રીજાએ પોતાને સગો પુત્ર દર્શાવી જમીનમાં હક્ક દાખલ કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે અન્ય વારસદારોને જાણ કર્યા વગર સર્કલ ઓફિસર દ્વારા વિવાદિત નોંધ નં. 3191 મંજૂર કરવામાં આવી હતી.

 

આ ગેરરીતિ સામે પરિવારના સાચા વારસદાર ચંદ્રસિંગ પટેલે મહેસૂલી કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ડેપ્યુટી કલેક્ટર સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસમાં અનેક વિસંગતતાઓ સામે આવી હતી. જેમાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં પિતા તરીકે ભાવસિંગનું નામ નોંધાયેલું હોવાનું સામે આવ્યું હતું.આ ઉપરાંત તલાટી સમક્ષ રજૂ કરાયેલા બે અલગ-અલગ પેઢીનામામાં પણ નોંધપાત્ર વિસંગતતાઓ જોવા મળી હતી. સુનાવણી દરમિયાન એ મુદ્દો પણ મહત્વનો બન્યો હતો કે સંબંધિત કાકા હયાત હોવા છતાં વસિયતનામાના આધારે સીધી લીટીના વારસદાર તરીકે નામ દાખલ કરી શકાય નહીં.સમગ્ર દસ્તાવેજી પુરાવા અને રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ડેપ્યુટી કલેક્ટરે સર્કલ ઓફિસર દ્વારા વિવાદિત નોંધ મંજૂર કરવાનો નિર્ણય ફગાવી દીધો હતો. સાથે જ નોંધ નં. 3191ને તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સાલિયા ગામની કરોડોની કિંમતી જમીનના હક્કને લઈને ચાલી રહેલા વિવાદમાં મહત્વનો વળાંક આવ્યો છે.

Share This Article