દાહોદમાં શ્રીજીના આગમન વચ્ચે આખલાઓનો આતંક, 7થી 8 લોકો ઇજાગ્રસ્ત.! APMC માર્કેટમાં DJના તાલે ચાલી રહેલા ગણપતિ આગમન કાર્યક્રમમાં રખડતા આખલાઓ ઘૂસી ગયા; 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં શ્રીજીના આગમન વચ્ચે આખલાઓનો આતંક, 7થી 8 લોકો ઇજાગ્રસ્ત.!

APMC માર્કેટમાં DJના તાલે ચાલી રહેલા ગણપતિ આગમન કાર્યક્રમમાં રખડતા આખલાઓ ઘૂસી ગયા; 

નાસભાગ વચ્ચે લોકોને અડફેટે લીધા હોવાનો આક્ષેપ, રખડતા ઢોર અંગે પાલિકાની કામગીરી સામે ફરી સવાલો

દાહોદ: તા.08

દાહોદ શહેરમાં ગઈકાલે શ્રીજીની પ્રતિમાના આગમન દરમિયાન APMC માર્કેટ ખાતે અચાનક બે આખલાઓ ટોળામાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. DJના તાલે મોટી સંખ્યામાં લોકો શ્રીજીના આગમનની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન આખલાઓએ લોકોને અડફેટે લેતાં નાસભાગ મચી હતી. ઘટનામાં અંદાજે 7થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની બિનસત્તાવાર માહિતી સામે આવી છે.

મળતી બિનસત્તાવાર માહિતી મુજબ, કાલીયા ઠાકરની શ્રીજીની પ્રતિમાનું શહેરમાં આગમન થઈ રહ્યું હતું અને APMC માર્કેટ ખાતેથી DJ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન DJ સાથે MGVCLના વીજ વાયર અથડાતાં શોર્ટ સર્કિટના કારણે ચમકારો થયો હોવાની વાત પણ સામે આવી રહી છે. આ દરમિયાન અચાનક અંધારપટ સર્જાતાં અને DJના મોટા અવાજથી નજીકમાં રહેલા આખલાઓ ભડક્યા હોવાની ચર્ચા છે.આખલાઓ ટોળા તરફ દોડતાં લોકોમાં નાસભાગ મચી હતી અને ભાગદોડ દરમિયાન આખલાઓએ કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ઘટનાના પગલે સ્થળ પર થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

*રખડતા ઢોર મુદ્દે ફરી પાલિકાની કામગીરી સામે સવાલ*

આ ઘટનાએ દાહોદ શહેરમાં રખડતા ઢોરના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. થોડા સમય પહેલાં દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ઢોર પકડવાની કામગીરીના વીડિયો અને સમાચાર પણ સામે આવ્યા હતા.

*પરંતુ હવે સવાલ એ છે કે આ કામગીરીનું વર્તમાન સ્ટેટસ શું છે?*

પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા? કેટલા ઢોરને રેસ્ક્યુ કરવામાં આવ્યા? કામગીરી હાલ ચાલુ છે કે બંધ થઈ ગઈ છે? તેમજ ઢોરના માલિકોને નોટિસ આપી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં—આ અંગે પાલિકા તરફથી સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

*વિપક્ષને સત્તાપક્ષને ઘેરવાનો મુદ્દો મળ્યો.*

ગઈકાલની ઘટના બાદ રખડતા ઢોરનો મુદ્દો ફરી ઉછળતાં વિપક્ષને પણ સત્તાપક્ષ અને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવવાની તક મળી છે.શહેરના જાહેર માર્ગો અને કાર્યક્રમોમાં રખડતા ઢોરના કારણે ફરી આવી ઘટના ન બને તે માટે નગરપાલિકા હવે શું પગલાં ભરે છે અને અગાઉ શરૂ કરાયેલા ઢોર પકડવાના અભિયાનનું પરિણામ શું આવ્યું છે, તે અંગે પાલિકા તંત્રની સ્પષ્ટતા મહત્વપૂર્ણ બની છે.હાલ ગઈકાલની ઘટનામાં ઇજાગ્રસ્તોની સત્તાવાર સંખ્યા તેમજ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે ત્યાર બાદ જ સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

Share This Article