PM આવાસ યોજનાના દાવા વચ્ચે ફતેપુરાના વલુંડાનો પરિવાર છેલ્લા બે વર્ષથી મકાન વિહોણો.! બે વર્ષ પહેલાં વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું હોવાનો પરિવારનો આક્ષેપ; 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

PM આવાસ યોજનાના દાવા વચ્ચે ફતેપુરાના વલુંડાનો પરિવાર છેલ્લા બે વર્ષથી મકાન વિહોણો.!

બે વર્ષ પહેલાં વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું હોવાનો પરિવારનો આક્ષેપ; 

સરકારી સર્વે બાદ સહાય અને PM આવાસનું આશ્વાસન મળ્યું, છતાં આજદિન સુધી લાભ ન મળ્યો હોવાની રજૂઆત

દાહોદ તા.08

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આઠ લાખથી વધુ પરિવારોને આવાસ આપવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી સામે આવેલી એક ઘટના સરકારી યોજનાના અમલીકરણ સામે સવાલો ઉભા કરી રહી છે.

ફતેપુરા તાલુકાના એક પરિવારનો આક્ષેપ છે કે બે વર્ષ પહેલાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે તેમનું કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધરાશાયી થવાની ઘટના અંગે પરિવાર દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ બાદ તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ પર સર્વે પણ કરવામાં આવ્યો હતો. તેમજ પરિવારને સરકારી સહાય અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનનો લાભ અપાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, બે વર્ષનો સમય વીતી જવા છતાં આજદિન સુધી કોઈ પ્રકારની સરકારી સહાય કે આવાસનો લાભ મળ્યો નથી, તેવો પરિવારનો આક્ષેપ છે.હાલ પરિવાર ધરાશાયી થયેલા કાચા મકાનમાં જ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચોમાસામાં વરસાદથી બચવાની ચિંતા, ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી વચ્ચે પરિવાર માટે રહેઠાણનો પ્રશ્ન ગંભીર બન્યો છે.એક તરફ સરકાર દ્વારા ગરીબ પરિવારોને પાકા મકાન આપવાની યોજનાઓ અને તેના આંકડા રજૂ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી સર્વે અને આશ્વાસન બાદ પણ આ પરિવારને બે વર્ષથી લાભ કેમ મળ્યો નથી? તે સવાલ હવે મહત્વનો બન્યો છે.શું આ પરિવાર PM આવાસ યોજનાના માપદંડમાં આવતો નથી? જો આવતો હોય તો લાભ આપવામાં વિલંબનું કારણ શું છે? સર્વે બાદ કાર્યવાહી ક્યાં અટકી? અને પરિવારને અત્યાર સુધી સરકારી સહાય કેમ મળી નથી?આ તમામ સવાલોના જવાબ વહીવટી તંત્ર દ્વારા આપવાની જરૂર છે. પરિવારના આક્ષેપોમાં તથ્ય કેટલું છે અને સરકારી યોજનાના અમલીકરણમાં ખરેખર ક્યાં ખામી રહી છે, તે અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જ સમગ્ર હકીકત બહાર આવી શકે છે.હાલ તો સરકારી યોજનાઓના દાવાઓ વચ્ચે એક જરૂરિયાતમંદ પરિવાર પાકા મકાનની રાહ જોતો ધરાશાયી મકાનમાં મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર હોવાનો આક્ષેપ કરી રહ્યો છે.

Share This Article