રાજેશ વસાવે :- દાહોદ
ખંગેલા બોર્ડર પરથી ₹21 લાખના મુદ્દામાલ સાથે મેફ્રોન ડ્રગ્સનો પેડલર ઝડપાયો
ક્રેટાની ડીકીમાંથી 363.56 ગ્રામ મેફ્રોન ડ્રગ્સ ઝડપાયું; રાજસ્થાનના કુશલગઢના ઈદ્રીશ મકરાણીની ધરપકડ
રતલામથી જથ્થો લાવી વડોદરા ડિલિવરી આપવા જતો હોવાનો ખુલાસો
દાહોદ તા.28

દાહોદ: ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પર દાહોદ પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખંગેલા બોર્ડર નજીક પોલીસે એક ફોરવ્હીલર વાહનને અટકાવી તલાશી લેતા તેની ડીકીમાંથી 363.56 ગ્રામ મેફ્રોન ડ્રગ્સ, જેની કિંમત આશરે ₹10.90 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડ્રગ્સ સાથે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢ તાલુકાના પાટી ગામના વતની ઈદ્રીશ સલીમ મકરાણીની ધરપકડ કરી છે.પોલીસ તપાસ મુજબ પકડાયેલો વ્યક્તિ GJ-27-CM-8493 નંબરની Hyundai Creta કારમાં માદક પદાર્થનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. પોલીસે વાહન અટકાવી તપાસ કરતા ડીકીમાંથી મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આશરે ₹10 લાખની ક્રેટા કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
*રતલામથી જથ્થો લાવી વડોદરા ડિલિવરી આપવા જતો હોવાનો ખુલાસો.!*
પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઈદ્રીશ મકરાણી રતલામથી મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મેળવી વડોદરામાં ડિલિવરી આપવા જઈ રહ્યો હતો હોવાનું સામે આવ્યું છે. આ માહિતીના આધારે હવે પોલીસે ડ્રગ્સનો જથ્થો રતલામમાં કયા વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને વડોદરામાં કોને તથા કયા સ્થળે ડિલિવરી આપવાની હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.દરમિયાન, પોલીસે જપ્ત કરાયેલા શંકાસ્પદ પદાર્થને FSL તપાસ માટે મોકલ્યો હતો, જેમાં તે મેફ્રોન ડ્રગ્સ હોવાનું પુષ્ટિ થતાં આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાની ગેરેજમાં કામ કરતો રાજસ્થાની યુવક પેડલર નીકળ્યો, તેનો ભાઈ પણ સુરત જેલમાં બંધ.!
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે, આરોપી ઈદ્રીશ મકરાણી છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં રહેતો અને ગેરેજમાં કામ કરતો હતો. તેમજ તેનો સગો ભાઈ પણ માદક પદાર્થોની હેરાફેરીના ગુનામાં છેલ્લા આશરે 11 મહિનાથી સુરત જેલમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.હવે કતવારા પોલીસ દ્વારા સમગ્ર ડ્રગ્સ નેટવર્કની કડીઓ જોડવાની દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. રતલામથી જથ્થો કોણે આપ્યો, વડોદરામાં કોને પહોંચાડવાનો હતો અને આ નશાના કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
