રાજેશ વસાવે :- દાહોદ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26 ચાર વર્ષ બાદ પણ અધૂરું
32.07 કિમીના પેકેજનું 78 ટકા કામ પૂર્ણ, હજુ 22 ટકા કામગીરી બાકી; મીરાખેડી ઇન્ટરચેન્જથી હાથીયાવનની પહાડી સુધીના કામમાં વિલંબ
દાહોદ તા.27

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર દાહોદ જિલ્લાના મહત્વપૂર્ણ પેકેજ-26નું કામ શરૂ થયાને ચાર વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. જેના કારણે દિલ્હીથી મુંબઈ સુધીના નોન-સ્ટોપ એક્સપ્રેસવેના માર્ગમાં દાહોદનો આ સેક્શન હાલ મહત્વની કડી બની રહ્યો છે. ખાસ કરીને આ કામમાં સતત વિલંબના કારણે સમગ્ર કોરિડોરના સંચાલન પર પણ તેની અસર જોવા મળી રહી છે.

ભારત માલા પરિયોજના અંતર્ગતનો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવેનો આ સેક્શન જુલાઈ-2022માં આશરે રૂ. 2,150 કરોડના ખર્ચે મધ્યપ્રદેશ બોર્ડરથી લીમખેડા તાલુકાના ભાનપુરા સુધીના 32.07 કિલોમીટર લાંબા પેકેજ-26નું કામ એટલાસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાનિક આદિવાસીઓના હકોને લઈને થયેલા વિરોધ-પ્રદર્શન અને વિવિધ વિવાદોના કારણે આ પેકેજની કામગીરીમાં લાંબો વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે.જ્યાં હાલની સ્થિતિ મુજબ પેકેજ-26નું આશરે 78 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે 22 ટકા જેટલી કામગીરી હજુ બાકી હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા મીરાખેડી ઇન્ટરચેન્જ આસપાસના ગામોને જોડતા એપ્રોચ બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું નથી. આ ઉપરાંત ક્રેશ બેરિયર, CCTV કેમેરા, સ્પીડ કંટ્રોલ કેમેરા, રિફ્રેશમેન્ટ એરિયા અને સાઇનબોર્ડ જેવી મહત્વની કામગીરી પણ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ પેકેજમાં દાહોદ માટે પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ તરીકે મહત્વ ધરાવતા મીરાખેડી ઇન્ટરચેન્જના એપ્રોચ બ્રિજ તેમજ ઇન્ટરચેન્જને જોડતા માર્ગનું કામ હજુ બાકી છે. જોકે ઇન્ટરચેન્જ પર ટોલ પ્લાઝાનું માળખું ઉભું કરી દેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ હજુ ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે, જ્યારે અન્ય સ્થળોએ ફાઇનલ લેન માર્કિંગ અને બિટુમિન લેન માર્કિંગ સહિતની કામગીરી પૂર્ણ થવાની બાકી છે.

*હાથીયાવનની પહાડીનું કટિંગ સૌથી મોટો પડકાર*
પેકેજ-26ના મીરાખેડી ઇન્ટરચેન્જ બાદનો હાથીયાવનની પહાડીનો વિસ્તાર સૌથી પડકારજનક ભાગ બની રહ્યો છે. છેલ્લા લગભગ બે વર્ષથી અહીં પહાડી કટિંગનું કામ ચાલી રહ્યું છે. મોટી મશીનરી, હિટાચી, હેવી બ્રેકર મશીનો તેમજ બ્લાસ્ટિંગની મદદથી પહાડી કાપીને એક્સપ્રેસવે માટે માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ વિસ્તારમાં 100 ફૂટથી વધુ ઊંડાઈ સુધી પહાડી કટિંગ કરીને માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આ ભાગની કામગીરીમાં સમય લાગી રહ્યો છે. કેટલીક જગ્યાએ બ્રિજનું કામ પણ બાકી છે, જ્યારે હાઇ-ટેન્શન લાઇનોના શિફ્ટિંગ બાદ કેટલાક વિસ્તારોમાં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

*જાન્યુઆરી-2026ની ડેડલાઇન વીતી, છતાં કામગીરી અધૂરી.!*
પેકેજ-26નું કામ જાન્યુઆરી-2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ ઓગસ્ટ-2026 પૂર્ણ થવા આડે હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે પણ કામગીરી સંપૂર્ણ થઈ શકી નથી. વર્તમાન પ્રગતિને જોતા આ સેક્શનને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં હજુ પાંચથી છ મહિના જેટલો સમય લાગી શકે તેવી શક્યતા છે.

*પેકેજ-25 પણ પેકેજ-26ના કારણે અટક્યું.*
મધ્યપ્રદેશના ટીંબાવાની ઇન્ટરચેન્જથી ગુજરાત બોર્ડર સુધીના પેકેજ-25નું કામ લગભગ બે વર્ષ અગાઉ જ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ પેકેજ-26માં સમાવિષ્ટ મીરાખેડી ઇન્ટરચેન્જ સુધીનો માર્ગ હજુ અધૂરો હોવાથી પેકેજ-25ને પણ સંપૂર્ણ રીતે ઓપરેશનમાં લઈ શકાયું નથી.જેમાં પેકેજ-26નું મીરાખેડી ઇન્ટરચેન્જ સુધીનું કામ પૂર્ણ થયા બાદ જ ટીંબાવાની ઇન્ટરચેન્જથી દાહોદ તરફનો માર્ગ વ્યવસ્થિત રીતે ખુલવાનો માર્ગ મોકળો થશે.બીજી તરફ લીમખેડાના ભાનપુરાથી ગોધરા તરફના આશરે 40 કિલોમીટરના પેકેજ-27 અને 28ના સેક્શનને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.હવે જોવાનું એ રહેશે કે પેકેજ-26ની બાકી કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય છે કે નહીં. જો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી-2027 સુધીમાં આ સેક્શન પૂર્ણ થાય તો નવસારીથી દિલ્હી સુધીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના લાંબા રૂટ પર નોન-સ્ટોપ મુસાફરીની સુવિધા વધુ સુગમ બનવાની શક્યતા છે.
