બાબુ સોલંકી :- સુખસર
*સુખસરના એગ્રો સેન્ટર સંચાલકે કાળીયાના ખેડૂતને સોયાબીનમાં છાંટવાની ખોટી દવા આપતા પાક બળ્યો*
*ખેતીમાં નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતે એગ્રો સંચાલકને વાત કરતા હાથ ઊંચા કરી દેતા પોલીસમાં લેખિત ફરિયાદ આપી*
સુખસર,તા.27
સુખસર તાલુકામાં અડધા ચોમાસાનો સમય વિતવા છતાં સંપૂર્ણ ખેતીલાયક વરસાદનો અભાવ જણાય છે.હાલ નદી,નાળા,તળાવો અને કુવાઓ ખાલીખમ છે.જ્યારે સામાન્ય વરસાદથી ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર,બિયારણ લાવી ખેતી કરી ચૂક્યા છે.તેમ જ કેટલાક ખેતરો પાણી વિના જેમના તેમ પડેલા છે. ત્યારે ખેતીમાં હાલ નિંદામણનો સમય ચાલી રહ્યો છે.તેવા સમયે ઘાસ બાળવા માટેની ખેડૂતો એગ્રો સેન્ટર માંથી દવા ખરીદ કરી રહ્યા છે.ત્યારે એગ્રો સેન્ટર સંચાલકની બેદરકારીના લીધે કેટલાક ખેડૂતોના ખેતી પાકો બળી જતા વ્યાપક નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.સુખસર ખાતે સંચાલિત એગ્રો સેન્ટર સંચાલકો કોઈપણ ગ્રાહકને ખાતર, દવા,બિયારણના બિલ નહીં આપતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. 
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના કાળીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ મોતીભાઈ મછાર ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓ એ પોતાના ખેતરમાં ચાલુ વર્ષે મકાઈ તથા સોયાબીનની ખેતી કરેલ છે.ત્યારે હાલ નિંદામણનો સમય ચાલતો હોય પ્રકાશભાઈએ નિંદામણ થી છુટકારો મેળવવા માટે સોયાબીનમાં ઘાસ બાળવાની દવા સુખસરના આસપુર ચોકડી પાસે આવેલા દિતાભાઈ ચરપોટના એગ્રી બિઝનેસ સેન્ટર બચકરીયા સંચાલિત એગ્રો સેન્ટર માંથી ખરીદ કરેલ હતી.અને એગ્રો સેન્ટર સંચાલકના કહેવા પ્રમાણે આ ખરીદ કરેલ દવા સોયાબીનની ખેતીમાં છંટકાવ કર્યો હતો.પરંતુ દવા છંટકાવ કરવાના બીજા જ દિવસે ઘાસ બળવાના બદલે સોયાબીનની ખેતી જ બળી જવા પામી હતી.ત્યારે પ્રકાશભાઈ મછારે એગ્રો સેન્ટર માંથી ખરીદ કરેલ દવાના ખાલી ટીન સાથે આવી એગ્રો સંચાલક દીતાભાઈ ચરપોટને પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે, આ દવા ડાંગરમાં છાંટવાની છે તમોએ સોયાબીનમાં કેમ છાંટી?તેમ જણાવતા ખેડૂતે જણાવેલ કે,મેં ચાલુ વર્ષે ડાંગરની ખેતી કરેલ જ નથી અને અમે સોયાબીનની ખેતીમાં ઘાસ સાફ થવા માટે દવા માંગી હતી.છતાં તમે આ દવા આપી હતી.અને અમોને નુકસાન થયું છે તેમ જણાવતા એગ્રો સેન્ટર સંચાલકે ખેડૂતને ઉડાઉ જવાબો આપી તમારે ફરિયાદ આપવી હોય તો આપી દો તેમ જણાવી કાઢી મૂક્યા હતા.પરંતુ એગ્રો સેન્ટર સંચાલકે પોતાની ભૂલ સ્વીકાર કરી ન હતી.
ઉપરોક્ત બાબતે ખેતીમાં નુકસાનીનો ભોગ બનેલા પ્રકાશભાઈ મછારે સુખસર આસપુર ચોકડી પાસે એગ્રો ચલાવતા સંચાલક દિતાભાઈ ચરપોટની વિરુદ્ધમાં સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.ત્યારે હવે એગ્રો સેન્ટર સંચાલક સામે ક્યારે અને શું પગલાં ભરવામાં આવે છે?તે સમય બતાવશે.
