બાબુ સોલંકી :- સુખસર
*શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના સમાજશાસ્ત્ર વિભાગમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ*
*સેમેસ્ટર ૧ તથા ૩ ના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો*
સુખસર,તા.17
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગમાં યુનિવર્સિટીના ટ્રાયબલ ચેર હેઠળ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજન યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફ. હરિભાઈ કાતરિયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું. આ વિશેષ દિવસ ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, રીત-રિવાજો અને સામાજિક વારસાથી પરિચિત કરાવવા તેમજ તેના જતન પ્રત્યે જાગૃતિ કેળવવાના મુખ્ય ઉદ્દેશ્યથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વિભાગના સેમેસ્ટર-૧ અને ૩ના આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ નિબંધ, રંગોળી, વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓ થકી વિદ્યાર્થીઓની સર્જનાત્મક અભિવ્યક્તિને અને આદિવાસી લોકજીવનની સમજને મોટું પ્રોત્સાહન મળ્યું હતું. સમગ્ર આયોજન સમાજશાસ્ત્ર વિભાગના કો-ઓર્ડીનેટર ડૉ. બીના વાઢીયા તેમજ અન્ય અધ્યાપકગણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ સ્પર્ધાઓના મૂલ્યાંકન માટે અનુસ્નાતક ગુજરાતી અને મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપકોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. તેમના નિષ્પક્ષ મૂલ્યાંકન અંતર્ગત વિવિધ કેટેગરીમાં વિજેતાઓ જાહેર કરાયા હતા. જેમાં રંગોળી સ્પર્ધામાં રાવળ સંધ્યા, ચિત્ર સ્પર્ધામાં બારીઆ મીનાક્ષીબેન, વકતૃત્વ સ્પર્ધામાં પટેલીયા મનોજકુમાર અને નિબંધ સ્પર્ધામાં બારીઆ જયશ્રીબેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે તમામ વિજેતાઓ, સ્પર્ધકો અને સહયોગી અધ્યાપકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
