*સ્વાતંત્ર્ય દિવસ-૨૦૨૬:દાહોદ* *દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની સુખસર ખાતે રાજ્ય મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ઉજવણી*

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સ્વાતંત્ર્ય દિવસ-૨૦૨૬:દાહોદ*

*દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની સુખસર ખાતે રાજ્ય મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ઉજવણી*

*મંત્રીશ્રીએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા કર્યું આહ્વાન*

*વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન*

 સુખસર,તા.૧૬

   ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે સમગ્ર દેશમાં ૮૦ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી અને દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ યોજાયો હતો.

        કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીતની ગુંજ સાથે મંત્રીશ્રી દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી.ત્યારબાદ મંત્રીશ્રી પી. સી. બરંડા, કલેકટરશ્રી સુરભિ ગૌતમ અને પોલીસ અધિક્ષકશ્રી (ઇન્ચાર્જ)જગદીશ ભંડારી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

       મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી તેમના બલિદાનને નમન કર્યું હતું. મંત્રીશ્રીએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સ્વાતંત્ર્ય એ આપણા અધિકાર સાથે દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ છે. સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવી રહેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌએ સહભાગી બનવું જોઈએ. એ સાથે એમણે સૌ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે અનુરોધ કર્યો હતો. 

        મંત્રીશ્રીએ સમૃદ્ધ ગુજરાત માટે, વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યરત છે ત્યારે આપણી સરકાર આદિવાસીઓથી લઈને શહેરીજનો, અબાલ-વૃદ્ધ સૌ કોઇના કલ્યાણ માટે કટિબદ્ધ છે. દાહોદ જિલ્લાના દરેક ગામડા સુધી વિકાસના લાભ પહોંચ્યા છે ત્યારે આ પવિત્ર અવસરે આપણે સૌ એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરી દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપી વડાપ્રધાન શ્રીના ભારતના ૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા માટે કાર્ય તરફ આગેકૂચ કરવા આહવાન કર્યું હતું.

          ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ પૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોડેલ સ્કૂલ વાંગડ ફતેપુરા પ્રથમ, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય,બલૈયા દ્વિતીય અને નૂતન માધ્યમિક શાળા સુખસરએ તૃતીય નંબર મેળવી સન્માન મેળવ્યું હતું.

        ત્યારબાદ મંત્રીશ્રી પી. સી. બરંડા એ જિલ્લા કલેકટરશ્રી ને સુખસર તાલુકા સહિત દાહોદ જિલ્લાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

      કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદથી વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું. 

   સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમા બેન મોહનિયા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી(ઇન્ચાર્જ) 

શ્રી પ્રતિક જૈન, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી સુશ્રી પલ્લવી બારૈયા, પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ. કે. ભાટિયા, દાહોદ નાયબ વન સંરક્ષક શ્રી બ્રિજેશ ચૌધરી,માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી શ્રી હિમાનીબેન શાહ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારી શ્રીઓ, પોલીસ-સુરક્ષા દળોના જવાનો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article