જી.ઈ.સી. દાહોદ ખાતે ‘આઝાદી કે રંગ – EC ઉત્સવ 2026’ ની ઉત્સાહભેર ઉજવણી: દેશભક્તિના રંગે રંગાયા વિદ્યાર્થીઓ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

જી.ઈ.સી. દાહોદ ખાતે ‘આઝાદી કે રંગ – EC ઉત્સવ 2026’ ની ઉત્સાહભેર ઉજવણી: દેશભક્તિના રંગે રંગાયા વિદ્યાર્થીઓ

દાહોદ તા. 14

ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ , દાહોદના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ “આઝાદી કે રંગ – EC ઉત્સવ 2026” નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. “રંગ દેશભક્તિ કે, જોશ આઝાદી કા!” ની ટેગલાઇન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ઉત્સાહભેર અભિવ્યક્તિ કરી હતી.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ ઉત્સવમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવા વક્તૃત્વ, દેશભક્તિ ગાયન અને નાટ્ય સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.

વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતાનું મૂલ્ય, રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા, જવાબદાર નાગરિકત્વ અને ભારતના આધુનિક વિકાસ જેવા વિષયો પર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા.

નાટ્ય સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ બહેતરીન અભિનય, સંવાદ અને ટીમવર્ક દ્વારા દેશની આઝાદી માટે અપાયેલા ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રીય એકતાનો પ્રભાવશાળી સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમ જી.ઈ.સી. દાહોદના આચાર્યશ્રી ડૉ. કે. બી. જુડાલના પ્રોત્સાહક માર્ગદર્શન અને EC વિભાગના વડા ડૉ. બી. એમ. પરમારની દેખરેખ હેઠળ પ્રો. એસ.એન. ડામોર તથા પ્રો. કે.એ.પટેલ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ઉજવણી માત્ર એક ઔપચારિક પ્રસંગ બની ન રહેતા વિદ્યાર્થીઓ માટે દેશપ્રેમને અનુભવવાની અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારીઓને સમજીને અભિવ્યક્ત કરવાની એક અવિસ્મરણીય તક બની હતી.

૦૦૦

Share This Article