રાજેશ વસાવે :- દાહોદ
કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણીના નિકાલનો અભાવ: લોકો માટે મુસીબત બન્યું.
બોરડી સરકારી રેલવે અંડરપાસમાં ફરી વરસાદી પાણી ભરાતા 11 ગામોના લોકો મુશ્કેલીમાં.!
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાહનચાલકોને ભારે હાલાકી,ગ્રામજનોએ કાયમી ઉકેલની કરી માંગ
દાહોદ, તા.01

દાહોદ જિલ્લાના બોરડી સરકારી ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરપાસ ફરી એકવાર વરસાદી પાણીથી છલકાઈ જતાં આસપાસના 11 જેટલા ગામોના લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ભારે વરસાદ બાદ અંડરપાસમાં પાણી ભરાઈ જતાં રાણાપુર,કતવારા અને ટાંડા રોડને જોડતો મુખ્ય માર્ગ પ્રભાવિત થયો છે, જેના| કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, નોકરીયાતો અને અન્ય વાહનચાલકોને| ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દાહોદ-રતલામ રેલવે વિભાગ વચ્ચે આવેલા બોરડી સરકારી રેલવે સ્ટેશન નજીક ગેટ નંબર 49-સીને બંધ કરીને કરોડોના ખર્ચે આ અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસાની ઋતુમાં દર વર્ષે અહીં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે

સ્થાનિકોના જણાવ્યા મુજબ અંડરપાસમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે ભારે| વરસાદ પડતાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થઈ જાય છે. આ માર્ગ પરથી રાણાપુર, કતવારા, ટાંડા સહિત 11 જેટલા ગામોના લોકો દૈનિક અવરજવર કરે છે.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં મૂળભૂત સુવિધાનો અભાવ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર| દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોએ તંત્રને અંડરપાસમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની તેમજ ભવિષ્યમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી છે.
