સુખસર બી.એડ. કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી:ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

સુખસર બી.એડ. કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી:ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ગુરુપૂર્ણિમાની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત કૃષિ મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા

 સુખસર,તા.29

 સુખસર ખાતે આવેલી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુ સંત રવિદાસજી મહારાજની પૂજા-અર્ચના અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સુખસર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ ડામોરે ભારત માતા કી જયના ઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.

       સંબોધનમાં કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે,ગુરુ સંત રવિદાસજી મહારાજ માત્ર એક વ્યક્તિ નહીં,પરંતુ એક વિચાર અને એક પ્રેરણારૂપ નામ છે.તેમણે જણાવ્યું કે રાજાને મળેલા વરદાનથી બાળકનો જન્મ થયો હોવાની કથા પ્રચલિત છે.ભારતની પવિત્ર ધરતી પર અનેક સંતો, મહાપુરુષો અને સમાજ સુધારકોએ જન્મ લઈને સમાજને નવી દિશા આપી છે.વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના મહાન સંતો અને મહાપુરુષોના ઇતિહાસ તથા તેમના યોગદાનને ઉજાગર કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.તેમ છતાં આજે પણ ઘણા લોકો પોતાના સંતો તથા દેશ માટે બલિદાન આપનાર મહાનુભાવોના જીવન અને કાર્યથી પૂરતા પ્રમાણમાં પરિચિત નથી.તેમણે જણાવ્યું કે,કાયદો,વ્યક્તિ અને વ્યવસ્થા ત્રણેયનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના હિત અને કલ્યાણ માટે કાર્ય કરવાનો છે.સંત ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, માનવતા અને ભાઈચારાના સંદેશને જીવનમાં આત્મસાત કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

                આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલિયારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અંત્યોદયની ભાવના સાથે સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કાર્ય કરે છે.તેમણે જણાવ્યું કે,સંત ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમજ તેમની જન્મભૂમિમાંથી પવિત્ર માટી પણ લાવવામાં આવશે.

            કાર્યક્રમમાં સુખસર તાલુકા પ્રભારી દેવચંદભાઈ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત રોહિત સમાજના આગેવાનો અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ઉપસ્થિત સૌએ ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાનતા,માનવતા અને ભાઈચારાના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધાભેર અને ધાર્મિક માહોલમાં સંપન્ન થયો હતો.

Share This Article