રાજેશ વસાવે :- દાહોદ
દેવગઢબારિયા નગરપાલિકાની પેટાચૂંટણીમાં 77.67% મતદાન, હવે 30 જુલાઈએ મતગણતરી પર સૌની નજર.
છ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ-આપ ગઠબંધનનો મુકાબલો;
વોર્ડ નં. 5માં સૌથી વધુ 80.72% અને બુથ નં. 3 પર 90.45% મતદાન નોંધાયું
દાહોદ, તા. 28
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરપાલિકાની છ બેઠકો માટે મંગળવારે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 77.67 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં રાજકીય ગરમાવો,ન્યાયપાલિકાના આદેશો અને વિવિધ રાજકીય હલચલ વચ્ચે યોજાયેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

નગરપાલિકાના વોર્ડ નં. 1, 2 અને 5માં યોજાયેલી ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો.ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. પ્રચાર દરમિયાન આક્ષેપ-પ્રત્યારોપનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે મતદાનના દિવસે મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જોકે ચૂંટણી દરમિયાન સૌથી ઓછું મતદાન વોર્ડ નં. 1ના બુથ નં. 3 પર 69.94 ટકા નોંધાયું હતું, જ્યારે સૌથી વધુ વોર્ડ નં. 5ના બુથ નં. 3 પર 90.45 ટકા મતદાન નોંધાયું હતું.હવે તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય મતપેટીમાં સીલ થઈ ગયું છે. આ ચૂંટણીની મતગણતરી આગામી 30 જુલાઈએ યોજાશે, જેમાં દેવગઢબારિયા નગરપાલિકાની આ છ બેઠકો પર મતદારો કોના માથે વિજયનો તાજ પહેરાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

વોર્ડવાર મતદાનની સ્થિતિ
વોર્ડ નં. 1
કુલ મતદારો: 2,345
પુરુષ મતદારો: 1,180 | મતદાન: 904 (76.61%)
મહિલા મતદારો: 1,165 | મતદાન: 855 (73.39%)
કુલ મતદાન: 1,759 મતદારો (75.01%)
વોર્ડ નં. 2
કુલ મતદારો: 2,582
પુરુષ મતદારો: 1,266 | મતદાન: 1,005 (79.38%)
મહિલા મતદારો: 1,316 | મતદાન: 987 (75.00%)
કુલ મતદાન: 1,992 મતદારો (77.15%)
વોર્ડ નં. 5
કુલ મતદારો: 2,479
પુરુષ મતદારો: 1,238 | મતદાન: 1,023 (82.63%)
મહિલા મતદારો: 1,241 | મતદાન: 978 (78.81%)
કુલ મતદાન: 2,001 મતદારો (80.72%)
