અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના સિંગવડના પતિ-પત્નીનું કરુણ મોત.!
મલેકપુર ગામના ડામોર ફળિયાના દંપતી મજૂરી માટે અમદાવાદ ગયા હતા; પત્નીનું ઘટનાસ્થળે મોત,
પતિએ સારવાર દરમિયાન તોડ્યો દમ,ગામમાં શોકનો માહોલ
રિપોર્ટર:કલ્પેશ શાહ,સીંગવડ
દાહોદ/સિંગવડ, 21
અમદાવાદમાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મલેકપુર ગામના એક દંપતીનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પેટનો ખાડો પૂરવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદ મજૂરી અર્થે ગયેલા પતિ-પત્ની કાળનો કોળિયો બન્યા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં લગભગ 10 જેટલા શ્રમિકોના મોત થયાના અહેવાલ છે.આ દુર્ઘટનામાં મલેકપુર ગામના ડામોર ફળિયાના રહેવાસી ડામોર ગોવિંદભાઈ ગીમાભાઈ અને તેમના પત્ની ડામોર ઉષાબેન ગોવિંદભાઈ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઉષાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે દાઝેલા ગોવિંદભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન બીજા દિવસે તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

દંપતીના એકસાથે મૃત્યુના સમાચાર ગામમાં પહોંચતા જ મલેકપુર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.પરિવારજનો અને ગ્રામજનોએ આક્રંદ સાથે જણાવ્યું કે બંને પતિ-પત્ની મહેનત-મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા, પરંતુ એક જ દુર્ઘટનાએ આખો પરિવાર વિખેરી નાખ્યો.
ઘટનાની જાણ થતાં મલેકપુર ગામના આગેવાનો તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતા. ઉષાબેનના પાર્થિવ દેહને ગામમાં લાવી અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગોવિંદભાઈનું પણ સારવાર દરમિયાન અવસાન થતાં તેમના પાર્થિવ દેહને વતન લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ કરુણ ઘટનાને પગલે ગ્રામજનોએ ફટાકડા બનાવતી કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ મૃતક દંપતીના પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક આર્થિક સહાય તેમજ યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.આ દુર્ઘટનાએ માત્ર એક પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર મલેકપુર ગામને ગમગીન બનાવી દીધું છે. પરિવારના આધારસ્તંભ સમાન દંપતીના અચાનક નિધનથી ગ્રામજનોમાં ભારે શોક અને વ્યથા જોવા મળી રહી છે.
