વનબંધુ કલ્યાણ યોજના હેઠળ દાહોદ જિલ્લાના ૧૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

Editor Dahod Live
2 Min Read

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ દાહોદ જિલ્લાના ૧૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

રૂ. ૧.૯૪ કરોડના ખર્ચે આરોગ્ય સેવાઓને મળશે નવી ગતિ, અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સમયસર મળશે સારવાર

રિપોર્ટર બાબુ સોલંકી, સુખસર

સુખસર,તા.9

આદિજાતિ બહુલ એવા દાહોદ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લાના ૧૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

 

 

આ એમ્બ્યુલન્સને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર પશુપાલન ગૌસંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા, દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ કનૈયાલાલ કિશોરી, બચુભાઈ ખાબડ, મહેશભાઈ ભુરીયા, મહેન્દ્રભાઈ ભાભોર, જીલ્લા પંચાયત નવ નિયુક્ત સમિતિના તમામ સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાયોજના વહીવટદારશ્રી પ્રતિક જૈન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના હસ્તે લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ કુલ રૂ. ૧,૯૪,૨૩,૪૦૪ ના ખર્ચે ૧૩ અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેમાં જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષના આરોગ્ય સેવાઓના કામગીરીના મૂલ્યાંકન તથા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ એમ્બ્યુલન્સ ચોસાલા, બાવકા, પાટીયા, નઢેલાવ, લીલવા ઠાકોર, ડુંગરી, ઘુઘસ, મોટી ઢઢેલી, ઝાબુ, ચીલાકોટા, દાસા, ગુણા અને કરંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આપવામાં આવી છે.

  નવી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતાં ગર્ભવતી માતાઓ, અકસ્માતગ્રસ્તો, ગંભીર દર્દીઓ તેમજ અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર માટે રેફરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કક્ષાની હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવાની સુવિધા વધુ અસરકારક બનશે. આ સાથે જિલ્લાના ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો થશે.

  રાજ્ય સરકારની આ જનકલ્યાણલક્ષી પહેલથી દાહોદ જિલ્લાના હજારો નાગરિકોને વધુ સુલભ,ઝડપી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો લાભ મળશે, જે “સૌને આરોગ્ય – સૌને સુરક્ષા”ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે જીલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, કર્મચારીઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article