રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ શહેરની પહેલી સરકારી માધ્યમિક હાઈસ્કુલમાં પ્રવેશ પ્રક્રિયા શરુ*
*દાહોદ શહેરના વિદ્યાર્થીઓને અધ્યતન બિલ્ડીંગમાં ઘર આંગણે જ મળી રહેશે વિના મુલ્યે અને ગુણવત્તા યુક્ત શિક્ષણ*
દાહોદ તા. ૫
દાહોદ શહેર વિસ્તારમાં દાહોદ શહેરના મધ્યમાં ગુજરાતી માધ્યમની પહેલી સરકારી હાઇસ્કુલ દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું ક્રમશઃ વિના મુલ્યે શિક્ષણ મેળવી શકશે. આ તાલુકા શાળા તાલુકા પંચાયત સામે, સીટી ગ્રાઉન્ડ પાસે બનાવવામાં આવી છે. અધ્યતન બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓ માટે અધ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન કોઇપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહી.

સુવિધાઓની વાત કરીએ તો, સીસીટીવી કેમેરા, યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ગુણવત્તા યુક્ત શિક્ષણ, વિના મુલ્યે પાઠ્ય પુસ્તકો, સમાવેશી શિક્ષણ તેમજ એ સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સીધો અને ત્વરિત લાભ મળવાપાત્ર થશે. આ તાલુકા શાળામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.

દાહોદ શહેરી વિસ્તારની પ્રથમ સરકારી હાઈસ્કૂલ સ્માર્ટ સિટી દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન બિલ્ડિંગમાં તાલુકા કુમાર – કન્યા શાળાના કેમ્પસમાં બેસશે. હવે દાહોદ તાલુકાની જનતાને એ જ કેમ્પસમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સુધીનું શિક્ષણ મફતમાં ઘર આંગણે જ આવનાર સમયમાં મળી રહેશે. દાહોદ વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના સતત પ્રયાસોથી દાહોદ શહેરી વિસ્તારમાં સરકારી હાઈસ્કૂલ મંજૂર કરાવવામાં સફળતા મળી છે.
વધુમાં ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામતળ ખાતે પણ નવી સરકારી હાઈસ્કૂલ મંજૂર કરવામાં આવી છે. આ બંને શાળા ચાલુ વર્ષે શરૂ કરવા સરકારી હાઈસ્કૂલના શિક્ષકોને આચાર્ય તરીકેનો ચાર્જ સોંપી પ્રવેશ કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી દાહોદ શહેર તેમજ ગરબાડા તાલુકાના વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રવેશ મેળવીને સરકારશ્રીએ ફાળવેલ આ શાળાનો મહત્તમ લાભ લે એ માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એલ. દામાએ અપીલ કરી છે.
૦૦૦
