રાજેશ વસાવે :- દાહોદ
પ્રિ-મોનસુન એક્ટિવિટીનો પ્રભાવ: દાહોદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
લીમખેડામાં કાચું મકાન ધરાશાયી, અનેક તાલુકાઓમાં વરસાદથી ઠંડક પ્રસરી,તોફાની પવનથી નુકસાનીના અહેવાલ
વાવાઝોડા જેવા પવનથી વીજ લાઈનોને નુકસાન, અનેક વિસ્તારોમાં અંધારપટ; ગરમીથી રાહત વચ્ચે પાણી પુરવઠા પરપણ અસર
દાહોદ તા.31

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને ગઈકાલે સવારે દાહોદ શહેર સહિત જિલ્લાના અલગ અલગ તાલુકા મથકો ઉપર વહેલી સવારે વરસાદ બાદ દિવસ પર 38 ડિગ્રી ટેમ્પરેચર સાથે ગરમી પડતા દાહોદ વાસીઓને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. ત્યારબાદ મધરાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ચોમાસા પહેલા ચોમાસા જેવું માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે ગાજવીજ તેમજ મારે તોફાન સાથે આવેલા વરસાદથી લીમખેડાના વટેડામાં એક કાચું મકાન ધરાશાયી થયું હોવાનું અહેવાલ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સંજેલી તેમજ દાહોદમાં વિસ્તારમાં કેટલાક ઠેકાણે મહાકાય ઝાડ પડી જતા વીજ લાઈનને નુકસાન થયું હતું. જેના પગલે અંધાર પટની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ સિવાય કડાણા જળાશય આધારિત પાઇપલાઇન માટેની વીજ લાઈન પર વૃક્ષો પડી જતા ત્યાં પણ તૂટી જવાના અહેવાલ થયા સામે આવ્યા છે. જેના પગલે વીજ પુરવઠો ખોરવાતા દાહોદને આપવામાં આવતો પાણી સપ્લાય ખોરવાયો હતો.

વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાઇકોનીક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં પ્રિમોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. જેના પગલે હવામાન વિભાગની આગાહી મુજબ શનિવાર સવારે અને મધરાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે છેલ્લા ઘણા સમયથી અસહી ઉકલાટ અને કાળજાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં મહત્તમ ઘટાડો નોંધાતા રાહત થઈ હતી. પરંતુ તોફાની પવનના કારણે દાહોદ શહેર તેમજ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદમાં સૌથી વધુ ફતેપુરામાં 33 મિ.મી, દાહોદ શહેરમાં 19 મિ.મી, ઝાલોદમાં 18 મિ.મી, ગરબાડા તેમજ સુખસરમાં 13 મિ.મી, આ સિવાય લીમખેડામાં 4, દેવગઢબારિયામાં 4, ધાનપુરમાં 2, સંજેલીમાં 3 ગુરુ ગોવિંદ લીમડીમાં 7 તેમજ સીંગવડમાં 10 મિ.મી વરસાદ નોંધાયો હતો.
