પાણીની આશામાં અશ્રુરૂપી પાણી વહેડાવતી લાચાર મહિલાઓ,હૃદયના ઉદગારો આક્રોશ ભર્યા છતાં વિનંતીના સૂર.! ફતેપુરાના જગોલામાં 700ની વસ્તી ધરાવતા માળ ફળિયામાં પાણીના તમામ સ્ત્રોત સૂકાયા; 1200 થી 1500 રૂપિયાના ટેન્કરનો સહારો

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

પાણીની આશામાં અશ્રુરૂપી પાણી વહેડાવતી લાચાર મહિલાઓ,હૃદયના ઉદગારો આક્રોશ ભર્યા છતાં વિનંતીના સૂર.!

ફતેપુરાના જગોલામાં 700ની વસ્તી ધરાવતા માળ ફળિયામાં પાણીના તમામ સ્ત્રોત સૂકાયા; 1200 થી 1500 રૂપિયાના ટેન્કરનો સહારો

ઘરે લગાવેલા નળ પણ બન્યા શોભાના ગાંઠિયા, પાણી ભરવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હિજરત.!

દાહોદ તા.30

ગુજરાતને વિકાસ અને સમૃદ્ધિના મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની વાસ્તવિકતા આજે પણ અનેક મૂળભૂત પ્રશ્નો સામે સવાલો ઉભા કરે છે. ફતેપુરા તાલુકાના ડુંગરાળ વિસ્તાર સ્થિત જગોલા ગામના માળ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે.

આશરે 700 જેટલી વસ્તી ધરાવતા જગોલાના માળ ફળિયામાં મહિલાઓને પાણી મેળવવા માટે રોજ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે પાણીની શોધમાં મહિલાઓને એક રાજ્યમાંથી બીજા રાજ્ય તરફ ભટકવાનો વારો આવી રહ્યો છે.

જગોલાનું માળ ફળિયું મુખ્ય તળેટી વિસ્તારથી અંદાજે બે થી ત્રણ કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે.ઉનાળાની ગરમી વચ્ચે ગામના તમામ જળસ્ત્રોત સૂકાઈ જતાં લોકો માટે પાણી મેળવવું મોટો પડકાર બની ગયું છે. વિધિની વક્રતા જુઓ કે ગામમાં આવેલા હેન્ડપંપ, કૂવા તેમજ કુદરતી કોતરો સંપૂર્ણપણે સૂકાઈ ગયા છે. એટલું જ નહીં આ ફળિયામાં અંદાજે 25 જેટલા બોર હોવા છતાં હાલમાં એક ટીપું પાણી પણ ઉપલબ્ધ નથી. ભૂગર્ભ જળસ્તર સતત નીચે ઉતરી જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેના પગલે કેટલાક પરિવારો પાસે પાણી સંગ્રહ માટે ટાંકીની સુવિધા ન હોવાના કારણે કૂવામાં ટેન્કર દ્વારા પાણી ઠાલવવાની ફરજ પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ એક ટેન્કર માટે 1200 થી 1500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.દેશ આજે ચંદ્રયાનથી લઈને બુલેટ ટ્રેન અને 2047ના વિકસિત ભારતના સપનાઓ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે લોકો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની પરિસ્થિતિ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

*સરકારી યોજના અમલમાં પરંતુ પાણી માટે તરસ્યું ગામ, જીવન નિર્વાહ ગંભીરરીતે પ્રભાવિત.*

સરકારી યોજનાઓ અંતર્ગત ગામમાં ઘરે-ઘરે નળ જોડાણ આપવામાં આવ્યા હોવા છતાં નળમાંથી પાણીનું એક ટીપું પણ આવતું નથી એવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. મીની એલ.આઈ. યોજનાના ટાંકા મૂકવામાં આવ્યા હોવા છતાં તેમાંથી પણ પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાણીની સમસ્યા માત્ર રોજિંદા જીવન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સામાજિક જીવન પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. પાણીના અભાવે લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગો મોકૂફ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

*મજબૂરી વ્યક્ત કરતા મહિલાઓની અશ્રુધારા વહી: ચૂંટાયેલા પ્રતિનિધિઓ હસ્તશેપકરે તેવી માંગ.*

 

પાણીની આશામાં લાચાર મહિલાઓની આંખોમાંથી અશ્રુઓ વહેતા જોવા મળી રહ્યા છે. આક્રોશ અને વ્યથાથી ભરેલા હૃદયના ઉદગાર વચ્ચે હવે ગ્રામજનો સંબંધિત તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકર્તાઓ પાસેથી વાસ્તવિક હસ્તક્ષેપ અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે અસરકારક પગલાં ભરે છે કે પછી જગોલા ગામના ગ્રામજનોના આંસુઓ વર્ષો સુધી આવી જ રીતે વહેતા રહેશે.

*તરસ છીપાવવા એક રાજ્યથી બીજા રાજ્યમાં પાણી ભરવા જતી ગામની મહિલાઓ.!*

ફતેપુરાના જગોલામાં આવેલો માળ ફળિયું ત્રણથી ચાર કિલોમીટર ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલો છે. ડુંગરની તળેટી ઉતરતા જ બે કિલોમીટર દૂર રાજસ્થાનનું બાસવાડા જિલ્લાનું ફલવા ગામ આવે છે. આ ફરવા ગામમાં પાણી ભરેલું તળાવ હોવાથી જગોલાથી રાજસ્થાનના ફલવા ગામના તળાવમાં પાણી ભરવા માટે મહિલાઓ ત્રણ કિલોમીટરનું અંતર કાપી તરસ છુપાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

Share This Article