1.46 કરોડની આંગડિયા લૂંટમાં આરોપીને આશરો કે મદદ કરનારની ખેર નહીં:DYSP જગદીશ ભંડારી.! APMC વેરહાઉસ પાસે પૂર્વ આયોજિત કાવતરાથી લૂંટને અપાયો અંજામ; CCTV આધારે પોલીસે કોર્ડન કરી જાલત નજીક ત્રણ આરોપીઓને દબોચ્યા,ત્રણ ફરાર

Editor Dahod Live
5 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

1.46 કરોડની આંગડિયા લૂંટમાં આરોપીને આશરો કે મદદ કરનારની ખેર નહીં:DYSP જગદીશ ભંડારી.!

APMC વેરહાઉસ પાસે પૂર્વ આયોજિત કાવતરાથી લૂંટને અપાયો અંજામ; CCTV આધારે પોલીસે કોર્ડન કરી જાલત નજીક ત્રણ આરોપીઓને દબોચ્યા,ત્રણ ફરાર

દાહોદ તા.28

દાહોદના એપીએમસી માર્કેટના વેરહાઉસ પાસે બે દિવસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારીને જોડે થયેલી લુંટની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે આ સમગ્ર લૂંટકાંડમાં બે બાઈક ઉપર આવેલા 6 જેટલા લૂંટારૂઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. અને નિર્ધારિત કરેલા ટાર્ગેટ મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી પૈસા અને પાર્સલ ભરેલો પેકેટ લઈને જેવો પસાર થયો તેવો તેને રોકી તેમની સાથે મારામારી કરી 1.46 કરોડના રોકડ તેમજ સોનાના પાર્સલ સહિતના મુદ્દામાલની સનસનાટી ભરી લૂંટ ચલાવી બાઈક ઉપર ધૂમ સ્ટાઇલમાં ભાગ્યા હતા. દરમિયાન લૂંટની ઘટના ની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીની મિનિટોમાં સીસીટીવી ફૂટેજ ના આધારે લૂંટારૂ ટોળકીનો પીછો કરી કોર્ડન કર્યો હતો જ્યાં જાલત નજીક છ પૈકી એક બાઈક પર સવાર ત્રણ લૂંટારૂઓએ પોલીસની ગાડીને ટક્કર મારી જતા નાળામાં પડ્યા હતા. જેના પગલે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી દરમિયાન પોલીસે ત્રણેય લૂંટારોને રાઉન્ડઅપ કર્યા હતા.પકડાયેલા ત્રણેય લૂંટારૂઓને પોલીસ તાત્કાલિક દાહોદના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત લુંટારૂઓએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે 

મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીના કર્મચારીઓ રાજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ પર 1.41 કરોડની રોકડ તથા અંદાજે 5 લાખ રૂપિયાના સોનાના દાગીના સાથે ગોધરા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા અતુલ મહેશ ભુરીયા, ખરજનો પરમેશ્વર પલાસ અને મંડાવાવનો ગોવિંદ મોહનીયા, ખરજનો અવિશલ પલાસ, મંડાવનો જીગ્નેશ હઠીલા તેમજ છાપરીનો અર્જુન આમલીયાર સહિત બે બાઈક પર આવેલા છ બુકાનીધારી લુંટારૂઓએ આંગડિયા પેઢીના બન્ને કર્મચારીઓને આંતરી પૈસા ભરેલો પાર્સલ ઝુટવવાનો પ્રયાસ કરતા બન્ને કર્મચારીઓ એ પ્રતિકાર કરતા ઉપરોક્ત લુટારૂઓ લાકડીઓ લઇને બંને ઉપર તૂટી પડ્યા હતા.અને પળવારમાં પૈસા ભરેલા થેલા લઈ ધૂમ સ્ટાઇલમાં ભાગ્યા હતા.

*પોલીસને કોલ મળતા લૂંટારૂઓને કોર્ડન કરવા ટીમ વર્કમાં ગોઠવાયા, અને ત્રણને દબોચી લીધા.*

લૂંટની ઘટનાની જાણ પોલીસને થતા જ DYSP જગદીશ ભંડારીના માર્ગદર્શનમાં તરત જ LCB, SOG,A ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ અલગ અલગ ટીમોમાં વહેચાઈ હતી. અને લૂંટારૂઓને પકડવા ફિલ્મીઢબે પીછો કર્યો હતો.આ દરમિયાન લૂંટારૂઓએ જાલત નજીક રેલવે ગરનાળા પાસે ઘેરાઈ જતા પોલીસની ગાડીની ટક્કર મારી ભાગવા જતા પાસે નાળામાં પડતા એક બાઈક પર સવાર ત્રણ લૂંટારૂઓ અતુલ મહેશ ભુરીયા, પરમેશ્વર પલાસ અને મંડાવાવનો ગોવિંદ મોહનીયાને પકડી લીધા હતા. પરંતુ આ ત્રણેય લૂંટારૂઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છતાં તેઓને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

*આંગડિયા પેઢીને ટાર્ગેટ કરવા લુટારૂઓએ રેકી કરી અલગ અલગ જગ્યાએ ગોઠવાયા.*

પોલીસની પ્રારંભિક તપાસમાં સપાટી પર આવેલી વિગતોમાં ઉપરોક્ત લુટારૂઓ છેલ્લા ઘણા સમયથી વેરહાઉસ પાસે બેઠક કરી હતી.અને માર્કેટમાંથી નીકળતા આંગડિયા પેઢીના કર્મચારીઓ પર વોચ રાખી હતી.રેકી કરી હતી અને નક્કી કરેલા ટાર્ગેટને પૂરું પાડવા ગૌશાળા ચોકી સ્થિત પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીથી ગૌશાળાના વેરહાઉસ સુધી અલગ અલગ લોકેશન પર ગોઠવાયા હતા. અને બંને કર્મચારીઓનો પીછો કરી વેરહાઉસ પાસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પોલીસે રિકવર કર્યા છે.

 *છ પૈકી ત્રણ લૂંટારૂઓની શોધખોળ ચાલુ છે, લૂંટારોઓની મદદ કરનાર કે આશરો આપનારની ખેર નહીં:DYSP જગદીશ ભંડારી!*

આંગડિયા પેઢીના કર્મચારીને જોડે લૂંટ કરનાર છ આરોપી આરોપીઓના નામ ખુલ્યા છે જે આસપાસના છે. પાછળ લૂંટારૂ પૈકી ત્રણ લુટારૂઓને અમારી પોલીસે પીછો કરી દબોચી લીધા છે. ત્રણે ઇજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે. તેમની પાસેથી લૂંટમાં ગયેલી અમુક ટકા રકમ રિકવર થઈ છે જ્યારે અમુક રકમ અન્ય ભાગેલા ત્રણ લુટારૂઓ પાસે હોવાથી પોલીસની અલગ અલગ ટીમો તેમની તપાસમાં લાગેલી છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓને મદદ કરનાર અન્ય બે લોકોના નામ ખુલ્યા છે. આ ઉપરોક્ત લુટારૂઓને મદદ કરનાર કે આશરો આપનાર કે અન્ય કોઈપણ પ્રકારની મદદ કરી હશે અને પોલીસ તપાસમાં બહાર આવશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે. પકડાયેલા ત્રણેય લૂંટારૂઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેમની અટકાયત કરવામાં આવશે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

Share This Article