દાહોદમાં ધોળાદિવસે 1.46 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો,પોલીસના પીછાથી ત્રણ લૂંટારુ ઝડપાયા જાલત રેલવે અંડરપાસ પાસે ફિલ્મી ચેઝ : પોલીસની કારને ટક્કર મારી ભાગતા નાળામાં પટકાયા આરોપીઓ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ધોળાદિવસે 1.46 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો,પોલીસના પીછાથી ત્રણ લૂંટારુ ઝડપાયા

જાલત રેલવે અંડરપાસ પાસે ફિલ્મી ચેઝ : પોલીસની કારને ટક્કર મારી ભાગતા નાળામાં પટકાયા આરોપીઓ

દાહોદ તા.27

દાહોદ શહેરના વ્યસ્ત APMC માર્કેટ વિસ્તારમાં ધોળાદિવસે બનેલી કરોડોની લૂંટની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી હતી. બાબુ કાન્તી આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 1.46 કરોડ રૂપિયાની મત્તા લૂંટી ફરાર થયેલા લૂંટારુઓ સામે દાહોદ પોલીસે ઝડપી કામગીરી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીના કર્મચારીઓ રાજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ પર 1.41 કરોડની રોકડ તથા અંદાજે 5 લાખ રૂપિયાના સોનાના દાગીના સાથે ગોધરા તરફ જવા નીકળ્યા હતા. ત્યારે સાંજે આશરે 5 વાગ્યાના સમયે અવાવરુ રસ્તા પર બે બાઈકમાં આવેલા 6 શખ્સોએ હુમલો કરીને કરોડોની મત્તા લૂંટી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું. જિલ્લાના તમામ પ્રવેશ-બહારના માર્ગો પર તાત્કાલિક નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

દરમિયાન તાલુકા પોલીસને બાતમી મળતા જ જાલત ગામના રેલવે અંડરપાસ વિસ્તારમાં ચેકિંગ ગોઠવાયું હતું. પોલીસને જોઈ લૂંટારુઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગદોડ દરમિયાન પોલીસ વાહનને ટક્કર મારી ફરાર થવાની કોશિશમાં ત્રણ આરોપીઓ બાઈક સહિત નાળામાં પટકાયા હતા, જ્યાં પોલીસે તાત્કાલિક ત્રણેયને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં ગલાલિયાવાડનો અતુલ મહેશ ભુરીયા, ખરજનો પરમેશ્વર પલાસ અને મંડાવાવનો ગોવિંદ મોહનીયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ હાલ ઝડપાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ અને લૂંટ અંગે વધુ પૂછપરછ ચલાવી રહી છે. જ્યારે ઘટનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ શોધખોળ તેજ કરી છે.

Share This Article