રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નગરપાલિકામાં ભાજપનો કબ્જો: મહિલાઓને સુકાન સંભાળ્યું,પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામા,ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની વરણી
પ્રથમ બેઠકમાં કોંગ્રેસનો હોબાળો, ત્રણ કાઉન્સિલરોને પ્રવેશ ન મળતા વિવાદ ગરમાયો
દાહોદ તા. ૧૯ મે

દાહોદ નગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી.ભાજપે નક્કી કરેલી રણનીતિ મુજબ 20 સભ્યો તથા 2 અપક્ષ સભ્યોના સમર્થન સાથે કુલ 22 મતો મેળવી નગરપાલિકામાં સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખ્યું હતું.

નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર-3માંથી પ્રથમ વખત ચૂંટણી લડનાર મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામાની વરણી કરવામાં આવી હતી. તેઓ અગાઉ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને હવે શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી સંભાળશે. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર-4માંથી ચૂંટાયેલા જુગલબેન ચીરાગભાઈ પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી ચેરમેન પદે વોર્ડ નંબર-9ના વિમલભાઈ રમેશચંદ્ર વડવાલાની વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત વોર્ડ નંબર-1ના કલ્પકુમાર કિશોરીને પક્ષના નેતા તરીકે અને વોર્ડ નંબર-9ની લીલાબેન પ્રજાપતિને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. મહત્વની વાત એ રહી કે પાંચ મહત્વના હોદ્દાઓમાંથી ત્રણ હોદ્દા મહિલાઓને મળતા હવે દાહોદ નગરપાલિકાનું નેતૃત્વ મહિલાઓના હાથમાં જતું રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ, સભા દરમિયાન કોંગ્રેસના ત્રણ કાઉન્સિલરો મોડા પહોંચતા તેમને સભાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેને લઈને કોંગ્રેસના અન્ય કાઉન્સિલરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો સભાખંડમાં જમીન ઉપર ધરણા પર બેસી ગયા હતા અને વહીવટી તંત્ર પર ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.કોંગ્રેસના કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ મિનિટ મોડા પહોંચવા છતાં પ્રાંત અધિકારી મિલિંદ દવે દ્વારા તેમને ઇરાદાપૂર્વક પ્રવેશ ન અપાયો, જે લોકશાહીની હત્યા સમાન છે. પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રથમ જ મહત્વપૂર્ણ બેઠકમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનું કહી કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયાને ગેરવ્યાજબી ગણાવી હતી.સભા દરમિયાન ભારે હોબાળો અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
જોકે ભાજપ દ્વારા અગાઉથી જ સભ્યોને વ્હીપ આપવામાં આવી હોવાથી તમામ ચૂંટાયેલા સભ્યોએ હોદ્દેદારોના સમર્થનમાં હાથ ઊંચા કરી ટેકો જાહેર કર્યો હતો. અપક્ષના બે સભ્યોએ પણ ભાજપ સમર્થિત હોદ્દેદારોને બિનશરતી ટેકો આપતા ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાની સત્તા પોતાના કબજામાં રાખી હતી.

