બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના મોટા નટવાના નૃત્યકારો દ્વારા આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવી*
*દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે*
સુખસર,તા.29
સુખસર તાલુકાના મોટાનટવા જાંબુડીના કલાકાર ભાઈઓએ તારીખ 29/4/2026 ને બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ આદિવાસી તલવાર નૃત્ય મોટાનટવા પ્રમુખ શંકરભાઈ કટારા દ્વારા આંતર રાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે? ક્યારથી કરવામાં આવે છે?તેનો હેતુ શું છે?તે બાબતની જાણકારી આપતા જણાવ્યુ હતું કે,આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ દર વર્ષે 29 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. નૃત્ય એક એવી કલા છે જે માણસના મનને હળવું કરે છે.અને નૃત્ય એ છે જે રજૂઆત કરનાર અને દર્શકના મનને પણ પ્રસન્ન કરે છે.નૃત્યકાર ક્યારેય એકલો રહેતો નથી.તેની સાથે હંમેશા તેની કળા રહે છે.જે તેને અને બીજાને પણ મનોરંજન પૂરું પાડે છે.
ઈસ્વીસન 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટની ડાન્સ કમિટી દ્વારા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યના મહત્વ પ્રત્યે જાગૃતતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોની નૃત્ય શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનું છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એ નૃત્યની વૈશ્વિક ઉજવણી છે. આદિવાસી તલવાર નૃત્ય એ આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ અને કલા છે.બંડી ,ધોતી ,સાફો એ આદિવાસીઓનું મૂળભૂત પહેરવેશે ઓળખ છે.તલવાર અને તીર કામઠું એ આદિવાસીઓનું હાથવગું હથિયાર છે.નૃત્ય આદિવાસીઓની સંસ્કૃતિ છે.હાલના સમયમાં યુવાનો મૂળ સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે,સંસ્કારો ભૂલી રહ્યા છે.જેની ખૂબ વિપરીત અસર થઈ રહી છે.જેથી આ મૂળ સંસ્કૃતિને જાળવી રાખવાનું અને ઉજાગર કરવાનું કામ આદિવાસી તલવાર નૃત્ય કરી રહી છે.આ રીતે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
