વહીવટી તંત્રની કાર્યવાહીથી બાળ લગ્ન થતા અટક્યા:  ધાનપુરના કાલિયાવડમાં વરરાજા સગીર નીકળતાં જાન પાછી વળી!

Editor Dahod Live
2 Min Read

વહીવટી તંત્રની કાર્યવાહીથી બાળ લગ્ન થતા અટક્યા:

 ધાનપુરના કાલિયાવડમાં વરરાજા સગીર નીકળતાં જાન પાછી વળી!

દાહોદ તા.23

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવડ ગામે લગ્ન ગીતોની રમઝટ વચ્ચે કાયદાનો સૂર ગુંજ્યો અને અધૂરી ઉંમરના વરરાજાને કારણે જાન લીલા તોરણે પાછી વાળવાની ફરજ પડી હતી. જિલ્લા વહીવટી તંત્રએ કાયદાકિય જોગવાઇની ગંભીરતા સમજાવતા લગ્ન મોકુફ રખાતા બાળ લગ્ન થતા અટક્યા હતાં.

બનાવની વિગત એવી છે કે, કાલીયાવડ ગામે 22 એપિ્રલ બુધવારે બાળ લગ્ન યોજાનાર હોવાની માહિતી જિલ્લા બાળ લગ્ન| પ્રતિબંધક અધિકારીને મળી હતી.!

માહિતી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચીફ પ્રોબેશન ઓફિસર આર. પી. ખાટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. કે. તાવિયાડ સહિતની ટીમે ધાનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ કાફલા સાથે લગ્ન સ્થળે ધામા નાખ્યા હતા. ટીમ જ્યારે લગ્ન સ્થળે પહોંચી ત્યારે લગ્નની વિધિઓ શરૂ થવાની તૈયારીમાં હતી.

પરંતુ અધિકારીઓએ વર પક્ષના દસ્તાવેજોની ચકાસણી કરતા જ વરરાજાની ઉંમર ઓછી હોવાનું સરકારી ચોપડે સાબિત થયું હતું. અધિકારીઓએ સમજાવ્યું હતું કે, “યુવક માટે 21 અને યુવતી માટે 18 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કરાવવા એ ગંભીર અપરાધ છે.”તંત્રની કડક સમજાવટ અને કાયદાકીય જોગવાઈઓની ગંભીરતા સમજીને અંતે બાળકના માતા-પિતા અને ગ્રામીણ આગેવાનોએ નમતું જોખ્યું હતું અને ત્યારબાદ લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આમ, તંત્રની સમયસરની કામગીરીથી કાલીયાવડમાં એક બાળ લગ્ન અટકાવી દેવામાં આવ્યું હતું અને કાયદાના પાલન સાથે જાનને માંડવેથી પરત મોકલવામાં આવી હતી.

Share This Article