દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં માર્ગ અકસ્માત: 112 જનરક્ષક ટીમની તાત્કાલિક કામગીરીથી ઈજાગ્રસ્તોને મળી સમયસર સારવાર.
દાહોદ તા. ૨૦

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કુમારના મુવાડા ગામ પાસે હાઈવે પર બે બાઈક ચાલકો વચ્ચે થયેલા ગંભીર માર્ગ અકસ્માત અંગે 112 જનરક્ષક પીસીઆર વાનને સવારે અંદાજે 10:00 વાગ્યે અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ મળ્યો હતો. મળેલી માહિતી મુજબ બંને બાઈક ચાલકો સામસામે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
માહિતી મળતાની સાથે જ સુખસર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક પીસીઆર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા રોડની બાજુમાં પડેલા ઈજાગ્રસ્તોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ઝડપી કામગીરીને કારણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકી હતી.
આ પ્રસંગે 112 જનરક્ષક ટીમની સતર્કતા અને માનવતાપૂર્ણ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.
