બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં ઝાલોદની નગર ઇન્ડેન ગેસ એજન્સીની બેદરકારીથી લાંબા સમયથી ગેસ સેવા ઠપ્પ થતા ગ્રાહકો પરેશાન*
*ઝાલોદ નગર ઇન્ડેન ગેસ એજન્સીમાં સમયસર બુકિંગ નહીં કરી ગ્રાહકોને રંજાડવામાં આવતા હોવાનો આક્ષેપ*
સુખસર,તા.17
સુખસર વિસ્તારમાં ઝાલોદની નગર ઇન્ડેન ગેસ એજન્સીની બેદરકારીના કારણે સ્થાનિક ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.લાંબા સમયથી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી સેવા બંધ હોવાની સાથે બુકિંગ પ્રક્રિયા પણ ઠપ્પ થઈ ગઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
નિયમ મુજબ ગેસ એજન્સીએ ગ્રાહકોને ઘરે જઈને સિલિન્ડર પહોંચાડવાનું હોય છે.પરંતુ સુખસર વિસ્તારમાં આ સેવા લાંબા સમયથી બંધ છે.એટલું જ નહીં ગ્રાહકો દ્વારા ગેસ બુકિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે બુકિંગ થતું નથી અને એજન્સીનો સંપર્ક નંબર પણ બંધ આવતો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.જેના કારણે ગેસ સિલિન્ડર ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી.આ પરિસ્થિતિને કારણે સુખસરના રહેવાસીઓને ગેસ સિલિન્ડર મેળવવા માટે ઝાલોદ સુધી જવું પડે છે.જ્યાં લાંબી લાઈનોમાં ઉભા રહીને કલાકો સુધી રાહ જોવી પડે છે.ખાસ કરીને મહિલાઓ,વરિષ્ઠ નાગરિકો અને રોજિંદા કામકાજ કરતા લોકો માટે આ પરિસ્થિતિ અત્યંત કંટાળાજનક બની ગઈ છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે,આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં એજન્સી તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિક રહેવાસીઓએ સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગેસ બુકિંગ સેવા ફરી શરૂ કરાવવા અને સુખસર વિસ્તારમાં નિયમિત હોમ ડિલિવરી સુનિશ્ચિત કરવાની માંગ ઉઠવા પામેલ છે.જેથી લોકોને પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
