રાહુલ ગારી :- ગેસ્રબાડા
ગરબાડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી: તારીખ પે તારીખ’નો ખેલ ખતમ, હવે જનતાના દરબારમાં ઉમેદવારોનો દમ; ત્રિપાંખિયો જંગ જામશે!
દાહોદ તા. ૧૨
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગરબાડા પંથકમાં રાજકીય પારો સાતમા આસમાને પહોંચ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ કુલ 141 ફોર્મ ભરાતા રાજકીય ગણિતો ગરમાયા છે.
બેઠકોનું ગણિત અને ઉમેદવારોની ફોજ
ગરબાડા તાલુકાની કુલ 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે રસાકસી જામી છે. વહીવટી તંત્ર પાસે આવેલા આંકડા મુજબ:
તાલુકા પંચાયત: 24 બેઠકો માટે કુલ 113 ફોર્મ જિલ્લા પંચાયત: 5 બેઠકો માટે કુલ 28 ફોર્મ ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે સીધો મુકાબલો
આ વખતે ચૂંટણીમાં મુખ્યત્વે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપમાં ટિકિટ વાંચ્છુકોની સંખ્યા વધુ હોવાથી ફોર્મનો આંકડો મોટો દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી: 39 ફોર્મ કોંગ્રેસ: 32 ફોર્મ આમ આદમી પાર્ટી: 25 ફોર્મ અપક્ષો અને અન્ય પક્ષો પણ મેદાનમાં માત્ર મુખ્ય પક્ષો જ નહીં, પરંતુ 5 અન્ય પક્ષો અને અનેક અપક્ષ ઉમેદવારોએ પણ મેદાનમાં ઝંપલાવીને મોટા પક્ષોના સમીકરણો બગાડવાની તૈયારી કરી લીધી છે. અપક્ષોની હાજરીથી અનેક બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાશે તે નક્કી છે.
“ચૂંટણીના આ મહાજંગમાં કોણ બાજી મારશે અને કોના સૂપડા સાફ થશે તે તો આવનારો સમય જ બતાવશે, પણ હાલ તો ગરબાડાની ગલીએ ગલીએ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.”
