બાબુ સોલંકી :- સુખસર
*આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ સજ્જ, બલૈયા ખાતે ‘વિજય સંકલ્પ’ બેઠક યોજાઈ*
સુખસર,તા.4

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.આજે ફતેપુરા વિધાનસભા ક્ષેત્રના બલૈયા સ્થિત નર્સિંગ કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ ‘વિજય સંકલ્પ’ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણ્ય માન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ
આ બેઠકમાં રાજ્યમંત્રી રમેશ કટારા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપ પ્રદેશ મંત્રી શંકર આમલીયાર પણ મંચ પર હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં સ્થાનિક સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકરોએ હાજરી આપી હતી.
સંગઠનાત્મક ચર્ચા અને માર્ગદર્શન
બેઠક દરમિયાન રાજ્યમંત્રી રમેશ કટારાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર આપણા કર્મઠ કાર્યકર્તાઓ છે.” તેમણે આગામી ચૂંટણીઓની રણનીતિ અને સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. મંત્રીએ કાર્યકરોને જન-જન સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને ‘વિકાસની રાજનીતિ’ પર ભાર મૂકવા આહવાન કર્યું હતું.કાર્યકર્તાઓના ઉત્સાહને બિરદાવતા મંત્રીએ સોશિયલ મીડિયા પર પણ આશા વ્યક્ત કરી હતી.
“કાર્યકર્તાઓનું સમર્પણ જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપનો કેસરીયો લહેરાશે અને જનતાના આશીર્વાદથી આપણે ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું. ભાજપ છે તો ભરોસો છે!”તેમ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું.
