બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મોટીઢઢેલીમાં મજૂરી કામથી પરત વતન આવતા શ્રમિકો સવાર આયસર ટેમ્પો પલટી ખાતા 1નુ મોત:18 ઇજાગ્રસ્ત*
*ગંભીર ઇજાગ્રસ્ત 12 વર્ષીય બાળકનું સ્થળ ઉપર મોત જ્યારે ઇજાગ્રસ્તોને સુખસર બાદ વધુ સારવાર માટે ઝાલોદ ખસેડાયા*
સુખસર,તા.4

સુખસર તથા ફતેપુરા તાલુકાના શ્રમિક લોકોને સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે દાયકાઓથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મહેનત મજૂરી કરી પેટીયુ રળવા પરિવાર સાથે હિજરત કરતા મજબૂર શ્રમિકો ઉપર જાણે કુદરત પણ રૂઠતી હોય તેમ શ્રમિકો સાથે ઘટતી એક ઘટનાની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજી અઘટિત ઘટના સામે આવે છે.જેમાં ચાર દિવસ અગાઉ ફતેપુરાના માધવા ખાતે શ્રમિક લોકોનો ટેમ્પો પલટી ખાતા મોટીરેલ પૂર્વની 15 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું.જ્યારે ગત રાત્રીના સુખસર તાલુકાના મોટી ઢઢેલીના સ્થાનિકો દોઢ માસ મજૂરી કરી મજૂરી કામ પૂરું થતાં પરત ફરતા શ્રમિકો સવાર ટેમ્પો મોટી ઢઢેલીમાં પલટી ખાતા એક બાળકનું મોત નીપજવા પામેલ છે અને 18 શ્રમિકોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના મોટીઢઢેલી બારીયા ફળિયા ખાતે રહેતા ચીમનભાઈ હરસિંગભાઈ બારીયા નાઓ પત્ની તથા તેમના ત્રણ બાળકો સહિત ગામના અન્ય શ્રમિક મહિલા-પુરુષો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના માધવગઢ ગામે ઘઉં કાપવાની મજૂરી કામે ગયેલા હતા. જ્યાં દોઢ માસ સુધી મજૂરી કામ કર્યા બાદ કામ પૂર્ણ થતા ત્યાંથી આઇસર ટેમ્પો ભાડે કરી મજૂરી કામમાં મળેલા ઘઉં સાથે વિસેક જેટલા લોકો આયસર ટેમ્પોનંબર-જીજે.02-એક્સ એક્સ-5958 ભાડે કરી મોટી ઢઢેલી વતનમાં આવવા નીકળ્યા હતા.અને આ ટેમ્પામાં ઘઉંની બોરીઓ ભરેલ હતી.તેના ઉપર શ્રમિક લોકો બેઠા હતા.
રાત્રિના સવા બાર વાગ્યાના અરસામાં આ ટેમ્પો મોટીઢઢેલી ગામે આવી પહોંચ્યો હતો.અને મોટી ઢઢેલીના બારીયા ફળિયા ઢાળના વળાંકમાં આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સ્ટિયરીગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારતા ટેમ્પો સવાર શ્રમિકો ઘઉંની બોરીઓ નીચે દબાતા ચીચાચીસ કરી મુકતા આસ પાસ માંથી લોકો દોડી આવ્યા હતા. અને ઘઉંની બોરીઓ નીચે દબાયેલા શ્રમિકોને અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં રાહુલભાઈ ચીમનભાઈ બારીયા( ઉંમર વર્ષ 12 )રહે.મોટી ઢઢેલીના ઓને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે આ ટેમ્પોમાં સવાર અન્ય 18 જેટલા શ્રમિકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તમામ ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઝાલોદ રીફર કરવામાં આવ્યા હતા.અને હાલ તમામ ઇજાગ્રસ્તો ઝાલોદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે મૃતક રાહુલભાઈની લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મૃતક રાહુલભાઈ બારીયાના પિતા ચીમનભાઈ હરસિંગભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આયસર ટેમ્પો ચાલક મિતુલસિંહ રામસિંહ મકવાણા રહે.માધવગઢ,તા.તલોદ,જી.સાબરકાંઠા ના ઓની વિરુદ્ધમાં પોતાના કબજાના વાહનને બેદરકારીથી હંકારી,પલટી ખવડાવી મોત નીપજાવવા બાબતે તેમજ આ ડાલામાં બેસેલ શ્રમિકોને નાની મોટી ઇજાઓ પહોંચાડવા બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
