સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કમલમ કાર્યાલયે ત્રણ દિવસ રહ્યો મેળા જેવો માહોલ.! દાહોદમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો ઉમટ્યો પૂર:340 બેઠકો માટે 1600થી વધુ દાવેદારો

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કમલમ કાર્યાલયે ત્રણ દિવસ રહ્યો મેળા જેવો માહોલ.!

દાહોદમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો ઉમટ્યો પૂર:340 બેઠકો માટે 1600થી વધુ દાવેદારો

દાહોદ: 02

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ‘ કમલમ’ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ઉમેદવારી ઈચ્છુક કાર્યકરોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી.

આ પ્રક્રિયામાં પ્રદેશ સ્તરના નેતાઓ સહિત પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ વિશ્વનાથ વાઘેલા, સિનિયર કાર્યકર્તા ઈશ્વરભાઈ પરમાર, વર્તમાન ધારાસભ્ય દશરથભાઈ પરમાર અને પ્રદેશ કારોબારી સભ્ય શીતલબેન સોની ઉપસ્થિત રહી ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા અને તેમના ફોર્મ સ્વીકાર્યા હતા.ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 

જિલ્લા સ્તરે તાલુકા પંચાયતની 254 બેઠકો માટે આશરે 1200 જેટલા દાવેદારો સામે આવ્યા હતા.જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે 240થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે પ્રતિષ્ઠાજનક માનાતી દાહોદ નગરપાલિકાની 36 બેઠકો માટે લગભગ 200 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી.

આ રીતે કુલ 340 બેઠકો માટે 1600થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ કાર્યાલય ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે દાહોદ જિલ્લામાં ભાજપ પ્રત્યેનો આકર્ષણ હજુ પણ મજબૂત છે.

એક તરફ ભાજપે પોતાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે, ત્યારે અન્ય રાજકીય પક્ષો હજુ સુધી સ્પષ્ટ રણનીતિ જાહેર કરી શક્યા નથી. જિલ્લામાં હજી ચૂંટણીનો પૂરતો માહોલ સર્જાયો નથી, પરંતુ આગામી દિવસોમાં ટિકિટ વહેંચણી બાદ રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે.હવે જોવાનું રહેશે કે કયા ઉમેદવારોને પક્ષ તરફથી ટિકિટ મળે છે અને ટિકિટ વહેંચણી બાદ આંતરિક અસંતોષ કે ગોટાળા કેટલા હદ સુધી રાજકીય પરિણામોને પ્રભાવિત કરે છે.

Share This Article