બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના વાંસિયાકુઈ ગામના રહીશનો ઝાલોદ 112 જનરક્ષક વાનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જીવ બચાવ્યો*
*કોલર દ્વારા દેવું વધી જતા આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ ઝેરી દવા પી મારવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું*
સુખસર,તા.21
કોઈપણ કટોકટીની ક્ષણોમાં સમયસર મળતી મદદ જીવન બચાવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે.ગુજરાતમાં પોલીસ,ફાયર, મેડિકલ અને હેલ્પલાઇન જેવી વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ ઉપર લાવીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતી 112 ઇમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ આજે રાજ્યની સાચી જીવાદોરી સમાન બની રહી છે.હવે આધુનિક ડેટા એનાલિટિક્સના ઉપયોગથી મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને 10 મિનિટથી પણ ઓછો કરવાનું લક્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે.અને જેનો લાભ આજરોજ સુખસર તાલુકાના વાસીયાકુઈ ગામના એક સ્થાનિકને મળતા તેનો જીવ બચવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલોદ 112 જનરક્ષક વાનને આજરોજ બપોરના 1:00 વાગ્યાના અરસામાં એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલર સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે,તેમના ઉપર ખૂબ દેવું થઈ ગયું હોવાથી તેઓ દવા પી ને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે. અને હવે જીવવું નથી. તેવો કોલ મળતા તાત્કાલિક 112 વાન ઇન્ચાર્જ પો.કો.અશ્વિનભાઈ દ્વારા ફોન ઉપર વાત કરી પુછપરછ કરવામાં આવી હતી.જેમાં કોલરે દવા પીધી નહિ હોવાની માહિતી આપી હતી.
તેના આધારે પીસીઆર વાન ઝાલોદ (મુવાડા) ના પાયલોટ દિનેશભાઈ પટેલ,ઇન્ચાર્જ પો.કો.અશ્વિનભાઈ માનસિંગભાઈ તથા હોમગાર્ડ મછાર દિનેશભાઈ નરસિંગભાઈ તાત્કાલિક વાસીયાકુઈ કોલર ના ઘરે સ્થળ ઉપર પહોંચ્યા હતા.
સ્થળ ઉપર જઈ કોલર સાથે વાતચીત કરી હતી અને તેમની પાસે રહેલ હાથ થેલી તપાસ કરતા એક પ્લાસ્ટિક બોટલ મળી આવી હતી. બોટલનું ઢાંકણ ખોલીને તપાસ કરતા દવાની ગંધ આવતી હતી.ફરીથી પૂછપરછ કરતા કોલરે થોડી દવા પીધી હોવાનું સ્વીકાર્યું હતું.પરિસ્થિતિની ગંભીરતા સમજી 112 પાયલોટ દિનેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી કોલરને સુખસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.અને જરૂરી સારવાર શરૂ કરાવવામાં આવી હતી.સમયસર કામગીરીને કારણે એક માનવજીવન બચાવવામાં સફળતા મળી હતી.
