રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 20 માર્ચથી મેગા ડ્રાઈવ શરૂ: સફાઈ, પ્લાસ્ટિક અને દબાણ સામે કડક કાર્યવાહી..
નગરપાલિકાની સત્તા પ્રાંત અધિકારી પાસે આવ્યા બાદ એક્શન મોડ | વેપારીઓને નિયમોનું પાલન કરવા અપીલ
દાહોદ તા. 18

દાહોદ નગરપાલિકાના પ્રમુખની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા નગરપાલિકાની સત્તાની ડોર હાલ પ્રાંત અધિકારીના હાથમાં આવી છે. સત્તા સંભાળતા જ પ્રાંત અધિકારી મીલિંગ દવે એક્શન મોડમાં આવી દાહોદ શહેરમાં વિવિધ મુદ્દાઓને લઈ કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. જેમાં આવતા 20 માર્ચથી દાહોદ શહેરમાં વિશાળ “મેગા ડ્રાઈવ” હાથ ધરાશે, જેમાં શહેરની સફાઈ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, હંગામી દબાણ દૂર કરવું, અનધિકૃત પાર્કિંગ તેમજ ખાણી-પીણીની દુકાનોમાં હાઈજીન જાળવવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રાંત અધિકારી દ્વારા શહેરના નાગરિકો અને વેપારીઓને આ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વેપારીઓએ પોતાની દુકાન આગળ સ્વચ્છતા જાળવવાની રહેશે તેમજ ફૂટપાથ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવું. દરેક દુકાનદારે કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી રાખવી ફરજિયાત રહેશે. નિયમોનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિક (120 માઇક્રોનથી ઓછું) રાખનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળો સિવાય ફેરીયા અથવા સ્ટોલ લગાવનારોએ તાત્કાલિક તે દૂર કરવા સૂચના આપવામાં આવી છે.જાહેર રસ્તા પર અનધિકૃત પાર્કિંગ કરનાર વાહન માલિકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. ખાણી-પીણી અને ફરસાણની દુકાનો માટે હાઈજીનના નિયમોનું કડક પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમાં કામદારો માટે હાથમાં ગ્લોવ્સ અને માથા પર કેપ પહેરવી ફરજિયાત રહેશે તેમજ ખોરાક માટે સ્ટાન્ડર્ડ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે.
આવતા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોવાથી હાલ નગરપાલિકાની જવાબદારી પ્રાંત અધિકારી પર છે. તે સમયે શહેરમાં વિકાસ અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે.
પ્રાંત અધિકારીએ શહેરના નાગરિકોને નિયમોનું પાલન કરી શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સહયોગ આપવા અપીલ કરી છે.
