દાહોદમાં મહિલાના દાગીના લૂંટનાર “બંટી-બબલી” પોલીસના સકંજામાં.:  મહારાષ્ટ્રના જુગલજોડીએ દાહોદની મહિલાને બનાવ્યો શિકાર;CCTV ની મદદથી પોલીસએ કલાકોમાં પકડી,બે દિવસના રિમાન્ડ મંજૂર.

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં મહિલાના દાગીના લૂંટનાર “બંટી-બબલી” પોલીસના સકંજામાં.: 

મહારાષ્ટ્રના જુગલજોડીએ દાહોદની મહિલાને બનાવ્યો શિકાર;CCTV ની મદદથી પોલીસએ કલાકોમાં પકડી,બે દિવસના રિમાન્ડ મંજૂર.

દાહોદ તા.15

દાહોદ શહેરમાં બે દિવસ પૂર્વે એક 24 વર્ષીય મહિલાને નિશાન બનાવી દાગીના લૂંટનાર મહારાષ્ટ્રના બંટી અને બબલીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ઉપરોક્ત ભેજાબાજ જુગલજોડીએ મહિલાના મોઢા પર પાણી જેવું પ્રવાહી છાંટી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ મળી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી.આ સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા છે. 

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારની એક મહિલા ગત ૧૩ માર્ચના રોજ બપોરના સમયે ભરવાડવાસ વિસ્તારમાં એક મહિલા અને પુરુષે પૂરું આયોજિત કાવતરાના ભાગરૂપે એક મહિલાને નિશાન બનાવી હતી. જેમાં એક અજાણ્યો પુરુષ અને એક મહિલા તેમની પાસે આવ્યા હતા. બંનેએ મહિલાને કહ્યું કે વિસ્તારમાં ખરાબ લોકો ફરી રહ્યા છે અને તમે પહેરેલા દાગીના ઉતારી થેલીમાં મૂકી દો.

આ દરમિયાન બંને આરોપીઓએ સોનલબેનના મોઢા પર પાણી જેવું પ્રવાહી છાંટી તેમને રસ્તાની બાજુએ લઈ ગયા હતા અને તેમની પાસેથી સોનાની વાળી, નાકનો કાંટો, મંગળસૂત્ર, ચાંદીની વીછુડી તેમજ મોબાઈલ ફોન મળી કુલ અંદાજે ૭૮ હજાર રૂપિયાની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા.

ઘટના અંગે સોનલબેન ડામોરે દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને દાહોદ શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી વસીમભા ઇગુલામભાઈ શેખ (રહે. મહારાષ્ટ્ર) અને સલમા ઈકબાલ કમરૂદ્દીન શેખ (રહે. સુરત) મોટરસાયકલ પર ફરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિત કુલ ૭૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.પોલીસે બંને આરોપીઓને દાહોદની નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

*માલેગાંવની સલમા શેખ ગુજરાતના 8 શહેરોના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ નીકળી.*

 પકડાયેલી મહિલા સલમા ઇકબાલ શેખ અગાઉ તેના પતિ ઇકબાલ શેખ સાથે આવા જ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.પોલીસની પ્રારંભિક પૂછપરછમાં પકડાયેલા બંટી અને બબલી પૈકી સલમા શેખ અગાઉ ગુજરાતના અમદાવાદ,રાજકોટ, પોરબંદર, અમરેલી,ભાવનગર, જેવા આઠ શહેરોમાં આવા પ્રકારના ગુના કર્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે તેની સાથે પકડાયેલો વસીમ ગુલામ શેખે આ પ્રથમ ગુનો આચાર્યો હોવાનું પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે.

*પતિને છોડ્યા બાદ શાતિર મહિલાએ તેના બોયફ્રેન્ડને ગુનાખોરીમાં સામેલ કર્યો.*

પતિને તરછોડયા બાદ મહારાષ્ટ્રના જ એક યુવક જોડે લિવ ઇન રિલેશનશિપમાં રહી તેના બોયફ્રેન્ડને પણ ગુનાખોરીની દુનિયામાં સામેલ કરી દીધો હતો.અને દાહોદ જેવા નાનકડા શહેરમાં પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા કે અન્ય કોઈ ટેકનોલોજી ન હોવાની ધારણા રાખી તેઓ બિન્દાસ પણે આવી ઘટનાને અંજામ આપી પોલીસથી દૂર ભાગી જશે તેવું માની દાહોદમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ પોલીસે સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનોલોજી ની મદદથી બંનેને મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગણતરી ના કલાકોમાં ઝડપી પડ્યા છે. હવે આગામી સમયમાં પોલીસ તેમની ઘનિષ્ટ પૂછપરછ કરી તેમની સાથે અને કેટલા લોકો સામેલ છે. આ સિવાય અન્ય કેટલી જગ્યાએ તેમને આવા પ્રકારના ગુના કર્યા છે. તે અંગે તપાસ હાથ ધરશે.

Share This Article